ખત્ના: એક માતાની વ્યથા અને એક પુત્રની દુષ્કર્મનો બદલો લેવા માટેની શોધ

લેખક : અનામી
વય ૩૧ વર્ષ
દેશ : અમેરિકા

મારી માતા ખુદાના બંદા અને દ્રઢ ધાર્મિક માન્યતા વાળા છે. દાઉદી બોહરા સમુદાયના જન્મજાત ધર્મગુરુને માનવાવાળો, તેમણે કદી પણ તેનો હિસ્સો બની રહેવાથી ક્યારેય આનાકાની નથી કર્યાં. ઝળહળતા, રંગબેરંગી હિજરી કૅલેન્ડર આધારિત દરેક પ્રસંગોમાં તેઓ અચૂક હાજરી આપે છે. દાયકાઓથી, આ હિજરી કૅલેન્ડરે, દરગુજર કરી નહીં શકાય એવા અંધકારને સંતાડવાના અને કોમની ઝાકઝમાળ જાહોજલાલીનો   દેખાવ કર્યે રાખ્યો છે. અમુક સમયથી હું કોમથી દૂર રહ્યો છું. અમારા કોમના અમુક હડહડતા જુથાણાઓ, ખાસ કરીને હિજરી કૅલેન્ડરમાં વાસ્તવિક સંબંધ ન હોય તેની વિરુદ્ધ મેં ઘણી વાર અવાજ ઉઠાવ્યો છે. લયલતુલ કદ્ર, રમઝાનની સૌથી મુબારક (પવિત્ર) રાત હવે હિજરી કૅલેન્ડર પર નાનકડું ટપકું બની ગઈ છે અને હિઝ હોલિનેસ, સૈયદના મુફઝ્ઝલ સૈફુદ્દીનનના જન્મદિન વડે ઢંકાઈ ગઈ છે, જે એ જ દિવસે આવે છે. મારી માતા મારી ટીકાઓને હળવાશથી નથી લેતાં અને હંમેશાં મને ખુલ્લું મન રાખવા જણાવે છે, એક મિનિટ માટે  કોમમાં બનતી ઘટનાને ભૂલી જવા અને કોમની રુહાનિયત તથા બંદગીની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મને અનુરોધ કરે છે. તેઓ હંમેશાં એક દુષ્કૃત્યની સામે પવિત્ર બની રહ્યાં છે અને કોમની વ્યાકુળતા સર્જનારી અનેક સચ્ચાઈઓની તેઓ ઉપેક્ષા કરે છે.

પરંતુ બે મહિના અગાઉ, તેમણે ખત્નાની પ્રથા સામે પોતાનો આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો ત્યારે હું ચોંકી ઊઠ્યો. આ વિનાશકારી અને જંગલી પ્રથા પર ‘સહિયો’એ વ્યાપક પ્રકાશ પાડ્યો છે. છોકરીઓ ધરાવતા તમામ પરિવારમાં અને ખત્નાને ખૂબ જ ગુપ્ત રાખતી કોમમાં હું ઊછર્યો હોવાથી, કેવળ ‘સહિયો’ મારફતે અને આ પ્રથાના લાંછનની અને તેમના જીવનમાં સર્જેલા દુખ:ની ચર્ચા કરવાની હિંમત દાખવનારી અનેક મહિલાઓએ લખેલા લેખો દ્વારા મને આ પ્રથા વિશે જાણવા મળ્યું હતું.

પરંતુ મારી માતાએ પોતાના અનુભવો વિશે મને વાત કરી ત્યારે હું સખ્ત આઘાત પામ્યો. આ ખૂબ જ ધર્મનિષ્ઠ મહિલા, જેઓ પોતાનું સમગ્ર જીવન બોહરા કોમ માટે હિમાયતી બની રહ્યાં અને ચોક્કસ પ્રથાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવા પોતાનાં સંતાનોને ઉત્તેજન આપતાં રહ્યાં હતાં, આ ખત્ના પ્રથાની ઉપેક્ષા કરવા માટે ક્યારેય તૈયાર નહોતાં. તેમણે તેમના ભાઈને અને મને એમ જણાવ્યું હતું કે જો તેમને દીકરી હોત તો, કદી પણ તેમની સાથે આવું થવા નહીં દેતે. સાત વર્ષની કુમળી વયે પોતાના અનુભવની પીડાજનક વિગત અમણે જણાવી, જ્યારે તેમને ભારતમાં એક પાડોશીના ઘરમાં અંધારાં ભોંયતળિયામાં લઈ જવાયાં હતાં. ત્યાર પછીથી તેમણે વેઠેલી વેદના, આક્રોશ અને લૈંગિક હતાશા તેમની અશ્રુભીની આંખોમાંથી સરી પડ્યા અને હું પણ મારી પોતાની આંખોમાં પણ અશ્રુને રોકી નહીં શક્યો. અન્ય મહિલાઓની આપવીતીઓ વાંચીને મેં અનુભવેલો આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો જ્યારે મને એવી પ્રતીતિ થઈ કે મને આ દુનિયામાં લાવનારી મહિલાને કેટલી વેદના થઈ હશે. એ મહિલા જેને મારા સમગ્ર જીવનમાં હું પ્રેમ કરતો આવ્યો છું, તેણે આ કોમને માફ કરી અને તેનો હિસ્સો બની રહેવા માટે મને ઉત્તેજન આપ્યું, કારણકે તેમની પેઢી માટે કોમ જ સર્વસ્વ છે અને જમાત ખારીજ (નાત બહાર) બનવાનો વિચાર – પરિવાર અને મિત્રોથી અલગ થવાનો ડર – તમારી વેદના, હતાશા અને આક્રોશને ગળી જવાની અને પૂર્વસ્થિતિ (સ્ટેટ્સક્વો)ને સ્વીકારવાની તમને ફરજ પાડે છે. પણ હવે એ બધું વધુ સહન નહીં થાય.

ખત્ના ફરતેની કદરૂપી ડાયન તેમજ બોહરા સમુદાયના અન્ય તમામ અન્યાયોનો સામનો કરવા માટેના હવે શક્તિશાળી વિકલ્પો ઉભા થયા છે. ત્રીસ વર્ષમાં પ્રથમ વખત કહેવાતા ધર્મગુરુઓ અને તેમના મળતિયાઓ ખૂબ ગભરાયા છે. ગુપ્તાંગ વિચ્છેદન (ખત્ના)ને મદદરૂપ થવા અને ઉત્તેજન આપવા બદલ, તેઓ અનિવાર્યપણે કાનૂની પ્રત્યાઘાતોનો સામનો કરશે એટલો જ ભય નથી, પરંતુ સાચો ડર મબલક નાણાકીય લાભો ગુમાવવાનો છે. રોકડ રકમથી ભરેલાં પરબીડિયાં, ઝિયાફતોમાં મળતા લાખો રૂપિયા/ડોલર, મકાનો, કારો અને પરંપરાગત હજારો નાના વહોરા ધંધાઓ જે એક જમાનામાં ઈજારાશાહી ધરાવતા હતા તેની પરનું સામાજીક અને નાણાકીય બન્ને નિયંત્રણ ગુમાવવા લાગ્યા છે.

આવા વધુ અન્યાયો પ્રત્યે આંગળી ચિંધાશે ત્યારે જ વધુ વહોરાઓ જે દેખીતી રીતે હજારોની સંખ્યામાં છે, તેઓ રૂહાની (આધ્યાત્મિક) જ્ઞાન મેળવવા માટે અન્યત્ર જશે. આવી નાણાકીય ખોટ સાથે તેઓ કદી વૈભવશાળી જીવનશૈલીને ટકાવી નહીં શકે જેમાં તેઓ ઊછર્યા છે અને દોમ દોમ સાહયબી ભોગવી છે.

પરંતુ ખાલી શબ્દો કરતા વાસ્તવિક કૃત્ય હંમેશા વધુ મોટા અવાજે પોકારે છે. પ્રથમ પગલું, જે આવશ્યક છે, તે પગલું આ પ્રથા વડે અસર પામેલી તમારા જીવનમાંની વિશેષ મહિલાને શોધવાનું છે, એ મહિલાની સાથે બેસો, તેની સાથે વાત કરો અને તેણે કેવી યાતના અનુભવી છે તેને સમજો. આવો પ્રચંડ ક્રોધ તમારામાં પણ પેદા થશે જે મેં અનુભવ્યો છે.

અત્યારે પ્રચંડ ક્રોધ વ્યક્ત કરવાની જ આપણા માટે આવશ્યકતા રહે છે. આપણી પેઢીમાં એવા લોકોની આપણને જરૂર છે જેઓ રોષે ભરાય. આ કોમનો ત્યાં સુધી બહિષ્કાર કરે જ્યાં સુધી તે લોકોની રુહાની જરૂરિયાતોની સેવા બજાવવા તેને સોંપાયેલી કામગીરીને પૂર્ણ કરવા માટે પાછી નહીં કરે. મઝહબી કોમ આવું કરી શકે અને આવી હોવી જોઈએ.

ખત્નાના પોતાના અનુભવ વિશે મારી માતાએ મને જે રાતે જણાવ્યું ત્યારે તેમની આંખોમાં જોયેલી વેદનાને હું કદી નહીં ભૂલીશ. હું તેની સાથે આગળ વધીશ અને આ પ્રથાનો અંત આવે એવું સુનિશ્ર્ચિત્ત કરવા માટે લડતો રહીશ, આપણે તમામેં પોતાના પક્ષે આવતી ભૂમિકા ભજવીએ તો આ પ્રથા કોમની અન્ય અનૈતિક પ્રથાઓની સાથે બંધ થશે. દિલમાં જોમ અને જુસ્સા સાથે આપને બધાએ આ કામગીરી બજાવવી રહી. આપણાં માતાપિતાની સાથે થયું હતું એવી રીતે આપણા જીવનનો નાશ કરવાની તેઓ ધમકી આપી નહીં શકે. અત્રે આપણી પાસે તમામ હથીયારો છે. સંગઠિત થઈને મજબૂત હાથ રમવાથી આપણે ડરવું નહીં જોઈએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s