એક સાઈકોથેરૅપિસ્ટ તરીકે, હું ક્યારેય ખતનાની ભલામણ નહિં કરું

(This article was first published in English on December 10, 2016. Read the English version here.)

લેખક : અનામી

ઉંમર : 36 વર્ષ

દેશ : ભારત

હું એક માનસિક આરોગ્ય ચિકિત્સક છું અને છેલ્લા 16 વર્ષોથી હું તેનું કાઉન્સેલિંગ અને થેરાપી આપી રહી છું. મારા ઘરનાં લોકો મારી એક કઝિનની સેરિમનિ વિષે બોલતા હતા ત્યારે અનાયાસે જ મને ‘ખતના’(ટાઈપ 1 એફ.જી.એમ.) વિષે જાણવા મળ્યું. હું વધારે માહિતી મેળવવા માંગતી હતી. મને સમજાયું નહિં કે હું પણ તે પ્રક્રિયા હેઠળથી પસાર થઈ હતી. મને વધારે કંઈ યાદ નથી, બસ આટલું કે મને બળતરા થતી હતી અને ત્યારબાદ મારી માં અને નાની દ્વારા તપાસવામાં આવી રહી હતી.

તે એક હરામની બોટી હતી જેને મારા શરીરમાંથી કાઢી નાખવામાં આવી હોવાથી મારે તે વિષે ક્યારેય વાત કરવી જોઈએ નહિં તેવા વાતાવરણમાં હું મોટી થઈ. મને કહેવામાં આવ્યું હતુ કે હવે તુ શુદ્ધ થઈ ગઈ છે. હું મોટી થઈ તેમ મેં સાઈકૉલોજીનો અભ્યાસ કર્યો, હું એફ.જી.એમ. વિષેનો એક આર્ટિકલ વાંચતી હતી ત્યારે અચાનક જ મને સમજાય ગયું કે તે દિવસે મારી સાથે શું બન્યું હતુ. મને ધક્કો લાગ્યો પરંતુ, તેને સ્વીકારવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો કારણ કે જે કંઈ બન્યું તેની કોઈ અસર સમજાઈ નહોતી – મારા પ્રગતિશિલ માં-બાપને પણ નહિં.

મારૂં જીવન અન્ય છોકરીઓની જેમ આગળ વધવા લાગ્યું. મારૂં લગ્ન જીવન, ખાસ કરીને સેક્સ પર તેની કોઈ અસર થઈ નહિં. મારૂં સેક્સ્યુઅલ જીવન અને ઑર્ગેઝમ્સ પણ સંતોષપૂર્ણ હતા અને મેં મહેસુસ કર્યું કે મારા પર ખતનાનીં કોઈ મોટી અસર થઈ નહોતી અથવા સાત વર્ષની ઉંમરે હું જે પ્રક્રિયા હેઠળથી પસાર થઈ તેનાં આઘાતનો સામનો કરવા મેં એ બાબતને એકદમ દબાવી દીધી હતી.

જો કે, મને યાદ છે કે બાળકનાં જન્મ સમયે મારે એપિસિઓટોમી પ્રક્રિયા કરાવવી પડી હતી. UNFPA દ્વારા કરવામાં આવેલ એક સ્ટડી અનુસાર, એક સામાન્ય બૈરીની સરખામણીએ જે બૈરી પર જેનિટલ કટિંગની પ્રક્રિયા કરવામાં આવી હોય તેને સિઝેઅરિયન સેક્શન અને એપિસિઓટોમી ની વધારે જરૂર પડે છે અને બાળકનાં જન્મ પછી વધારે સમય હૉસ્પિટલમાં રહેવું પડે છે.

આ વર્ષની શરૂઆતમાં પીઅર સુપરવિઝનમાં, મારી સાથે જે કંઈ બન્યું તેની પ્રક્રિયાને મેં ધીરે-ધીરે સમજી અને તેને જીવનનાં એક ભાગ રૂપે લીધી. મને એ બાબત પાછળથી સમજાઈ કે એફ.જી.એમ. ની અસરો થાય છે. હકીકતમાં તે આત્માને જખમો આપે છે અને આપણને આશ્ચર્ય થાય કે શું આ પ્રક્રિયા કરવી ખરેખર જરૂરી છે.

ખતના પ્રક્રિયા લાંબા સમય સુધી માનસિક તણાવ આપી શકે છે. કુટુંબનાં સભ્યો દ્વારા ભરોસો તોડવાની લાગણીને કારણે તે બચ્ચાઓનાં વર્તનમાં ગરબડ પેદા કરી શકે છે. મોટી છોકરીઓ પણ બેચેની અને તણાવ મહેસુસ કરી શકે છે.

જે આવી બધી બાબતો સમજે છે, તેવા એક મનોચિકિત્સક તરીકે શું હું ખતનાની ભલામણ કરીશ? ના, હું ભલામણ નહિં કરું કારણ કે, મને લાગે છે કે તેનો મુખ્ય હેતુ બૈરીઓની સેક્સ્યુઆલિટી પર નિયંત્રણ લાવવાનો છે. હું તેની વ્યાખ્યા લિંગ આધારીત હિંસા રૂપે કરીશ.

બધા નુક્શાનો શારીરિક નથી હોતા અને દરેક ધર્મ સંપૂર્ણ રીતે નૈતિક નથી હોતો

(This essay was originally published in English on September 21, 2018. Read the English version here.)

લેખક : ઝીનોબીયા

ઉંમર : 27 વર્ષ

દેશ : ભારત

આજે સોશિયલ મીડિયા પર અન્ય બાબતોની સાથે-સાથે મહિલાઓને સશક્ત કરવા, પોતાનો નિર્ણય પોતે જ લેવા, વ્યક્તિની ગોપનીયતાના અને તેના શરીરના ઉલ્લંઘન વિષે અને સંમતિની ભૂમિકા વિષેના વિચારો અને અભિપ્રાયો સાથે ગુસ્સો વ્યક્ત થતો જોવા મળે છે.અમુક લોકો એવી વાતો કરે છે કે બળાત્કારીઓને ફાંસી દઈ દેવી જોઈએ છે તો અમુક લોકો જાતિય છેડછાડ અને મહિલાઓની છેડતી કરતા લોકોને સજા કરવા વિષેપણ વાતો કરી રહ્યાં છે જેથી, જમીની સ્તર પર યોગ્ય પગલાં લઈ શકાય અને આવા લોકો છોકરીઓને પરેશાન કરતા પહેલાં બે વાર વિચાર કરે.

પરંતુ, જ્યારે એક 7 વર્ષની અસહાય છોકરીનો બીજું કોઈ નહિં પણ તેમનું પોતાનું કુટુંબ અને સમાજ ગેરલાભ ઉઠાવે ત્યારે શું થાય છે? તેના માટે કોણ જવાબદારી લે છે?હું અહીં મારી પોતાની તકલીફો રજૂ કરવા નથી ઈચ્છતી પરંતુ, તમારી માહિતી માટે થોડી મૂળભૂત હકીકતો રજૂ કરવા ઈચ્છું છું. હું ભારતમાં મોટી થયેલી એક બોહરા મુસ્લિમ છું. જ્યારે વિશ્વ આપણને શાંત, શાંતિપ્રિય, વ્યવસાયમાં સમૃદ્ધ એવો સમાજ માને છે ત્યારે આપણે 6-7 વર્ષની નાનકડી છોકરીના અંગછેદનની એક ગુપ્ત પરંપરાને અનુસરીએ છીએ, જેને આપણે ખતના કહીએ છીએ.

આ પ્રથા પુરુષો માટે કેવી રીતે આરોગ્યની દ્રષ્ટિએ “જરૂરી” છે અને અંતે, તે તેમના સેક્સ જીવનમાં મદદરૂપ થાય છે તે વિષેની ઘણી દલીલો કરવામાં આવે છે પરંતુ, અધિકાંશ શિક્ષિત અને સંસ્કારી લોકો એ બાબત સાથે સહમત છે કે આ પ્રથા એક બૈરીના શરીરિક, માનસીક અને ભાવનાત્મક આરોગ્ય માટે નુક્શાનદાયક છે, ખાસ કરીને એટલા માટે કે તેના પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી અથવા અધિકાંશ આવી પ્રક્રિયાઓ બૅસમેન્ટોમાં એક અશિક્ષિત બૈરી દ્વારા કરવામાં આવે છે.આ પ્રથાને વિશ્વના અન્ય પ્રદેશોમાં આધિકારીક રીતે “ફીમેલ જેનિટલ મ્યૂટિલેશન (એફજીએમ)” કહેવામાં આવે છે અને તેને અસહાય છોકરીઓ પર થતા અપરાધ તરીકે માનવામાં આવે છે.

શા માટે? શું કારણ છે?

અમુક લોકો પવિત્રતા વિષે તો, અમુક લોકો પિતૃપ્રધાનતા વિષે વાત કરે છે. અમુક લોકો તેને એક આદેશરૂપ પરંપરા હોવાને કારણે માને છે અને જો એક મૌલા તેને ફરજિયાત કહે તો તેને નામંજૂર કરવાની હિંમત કોણ કરે? અમુક લોકો દબાણને વશ થઈને માને છે તો, અમુક લોકો બ્લૅકલિસ્ટ થવા અથવા વીરોધીનું લૅબલ લાગવાના ડરથી માને છે.જે લોકો ઉત્તર માગે છે તેમના માટે એવો પ્રચલિત જવાબ આપવામાં આવે છે કે તે એક બૈરીની જાતિય ઈચ્છાઓને નિયંત્રણમાં અથવા અંકુશમાં રાખવા માટે કરવામાં આવે છે. એ બાબત સાચી હોય શકે કેજ્યારે આપણે રણોમાં અને સમૂહ (ટ્રાઈબ્સ)માં રહેતા હતા અને લોકો હંમેશા અન્ય વ્યક્તિની બૈરીને ઉપાડી જવા માટે આતુર રહેતા હતા તેવા યુગમાં, કદાચ આ પ્રથા મદદરૂપ થઈ હશે.

આજે કોઈપણ કારણ હોય તો પણ, શું તેનો કોઈ અર્થ છે ખરો? તમારો ઉદ્દેશસારોહોય તો પણ,એક બૈરીની સંમતિ વિના તેણીના શરીર સાથે શું કરવું એ નક્કી કરવાનો તમને કોઈ અધિકાર નથી.તમે કોઈપણ હો, તમારો ઉદ્દેશ કોઈપણ હોય તો પણ, નુક્શાન થયું છે અને તમે કોઈ ગુનેગારથી ઓછા નથી.

પિડીતો માટે તેનો અર્થ શું છે?

આપણા દ્વારા અનુસરવામાં આવતી પ્રથા આક્ષેપ અનુસાર ‘ટાઈપ 1’ પ્રકારની છે અને તે આફ્રિકન સમુદાયો દ્વારા અનુસરવામાં આવતી ‘ટાઈપ 2’ અને ‘ટાઈપ 3’ થી (ગંભીરતાના સ્તરના આધારે) અલગ છે.વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનની માન્યતા મુજબ, ટાઈપ 1 પ્રકારના એફજીસીને ક્લિટોરલ હૂડ અને/અથવા ક્લિટોરિસ કાપવા તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેના ઘણાં શારીરિક અને માનસિક દુષ્પરિણામો જોવા મળે છે જેમ કે, ચેપ લાગવા, વધારે પડતો રક્તસ્ત્રાવ થવો, પેશાબ કરતી વખતે બળતરા થવી વિગેરે. ઘણી જુવાન છોકરીઓ વિશ્વાસઘાત, અસહાય અને મૂંઝવણ મહેસુસ કરતી હોવાના કારણે,આ પ્રથા માનસિક આરોગ્ય પર પણ વિપરિત અસર કરી શકે છે. તેમજ, આ આઘાતના પરિણામે, બાળક જાતિય સંબંધ બાંધવામાં પણ ડર અનુભવી શકે છે અને તેમનામાં સમાજના સભ્યો પ્રત્યે અવિશ્વાસનું નિર્માણ પણ થઈ શકે છે.

પરંતુ, હજારો બૈરીઓએ આ પ્રથાને અનુસરી છે અને દાવો કરી રહી છે કે તેમને કોઈ જાતિય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી?

જે રીતે અધિકાંશ લોકો તેમના બેડરૂમમાં શું થાય છે તે વિષે અન્ય લોકોને વાત કરતા નથી, તેમ એફજીએમના સર્વાઈવરો પણ તેમની સેક્સ લાઈફ વિષે જાહેરમાં વાત કરતા નથી. તેમાંની ઘણી બૈરીઓ પીડાથી ચીસો પાડતી હોય છે અથવા “બેડરૂમમાં”એક આરોગ્યપ્રદ જીવન જીવી શકતી નથી.તેમાંની ઘણી બૈરીઓ ડૉક્ટરો, સેક્સોલોજિસ્ટ્સ, કાઉન્સેલર્સ અને થેરૅપિસ્ટ્સની નિયમિત દરદીઓ હોય છે.હાં, તેઓ ગર્ભવતિ થવાનું (જે આજે મરદ સાથે અથવા મરદ વિના કરવું વધારે મૂશ્કેલ નથી) મેનેજ કરી લે છે પરંતુ, શું એ પ્રક્રિયા પીડા મુક્ત છે? નહીં.

બધા લોકો ડિવોર્સનો દર વધવા વિષે વાતો કરે છે પરંતુ, આ દર શા માટે વધી રહ્યો છે તે કોઈ સમજતું નથી. તેઓ એ જોતા નથી કે બૈરીઓ પર તેમના ઉછેર દરમિયાન જ ઘણાં બધા નિયંત્રણો લાદવામાં આવે છે. મરદ હોય કે બૈરી, તેને સંબંધી બધી બાબતો પહેલાંથી જ નક્કી કરેલી હોય છે, આ એવું નથી લાગી રહ્યું કે આપણે એવા સમાજમાં મોટા થઈ રહ્યાં છીએ જ્યાં નેતાઓ અથવા સ્વતંત્ર નિર્ણયકર્તાઓને ઉછેરવામાં આવી રહ્યાં હોય. આપણે બ્રેઈનવૉશ કરેલા શિષ્યોના એક ટોળાં જેવા છીએ અને હાલનાં, #metoo ની ક્રાન્તિને કારણે બૈરીઓએ તેમનો અવાજ ઉઠાવવાની એક શરૂઆત કરી છે.

મારી સ્ટોરી

હાં, મારા પર પણ ‘ખતના’ પ્રક્રિયા કરવામાં આવી હતી. મને બધું તો યાદ નથી પરંતુ, અમુક બાબતો યાદ છે. મને “કોઈ આન્ટી” ને મળવા લઈ જવામાં આવી હતી અને મને યાદ છે કે ત્યારે મને કોઈ સારી લાગણી નહોતી થતી પરંતુ, આપણને જેમ કહેવામાં આવે તેમ આપણે કરીએ છીએ. અમે કલકત્તાના તેના અંધકારમય ઘરમાં ગયા અને તેણીએ મને ભારતીય શૈલીના શૌચાલય પર પહોળા પગ કરીને ઊભા રહેવા માટે કહ્યું અને મને લોહી નીચે પડતું દેખાયું. બસ મને આટલું જ યાદ છે.

મને બરાબર યાદ છે કે ત્યારપછી અઠવાડિયા સુધી મને પેશાબ કરવામાં પીડા થતી હતી. આ ચર્ચા રાત્રિભોજનની ચર્ચા જેવી ઔપચારિક ના હોવાથી, ત્યારપછી તે વિષે ક્યારેય વાત કરવામાં આવી નહિં. 16 વર્ષની ઉંમરે, જીન સૅસનની બૂક – પ્રિંસેસ દ્વારા મને આ ‘મુસ્લિમ પ્રથા’ વિષે ખબર પડી. સાઉદી અરૅબિયામાં બૈરીઓ સાથે કરવામાં આવતી ભયાનક બાબતોની સાથે-સાથે આ પ્રથાનું વર્ણન કરવામાં આવ્યુ હતું જેણે મારી યાદ તાજા કરી દીધી હતી.

પહેલાં તો હું ડરી અને ભયભીત થઈ ગઈ અને મને સમજાતું નહોતું કે આ માહિતીનું શું કરવું.મને એ બાબતસમજાઈ નહિં કે શા માટે કોઈ મારી સાથે આવું ભયાનક કૃત્ય કરે? તેનો ઉદ્દેશ શું હતો? શું કોઈ ધાર્મિક કારણ હતું? શું કોઈ તબીબી કારણ હતું? ધીમે-ધીમે હું મારી ઉંમરના અન્ય લોકોને તે વિષે પૂછવા લાગી.ઈન્ટરનેટ મારી મદદે આવ્યું અને મેં આ ‘જંગલી’ પ્રથાને વધારે સમજવાનું શરૂ કર્યું કે કેવી રીતે તે આપણા પિતૃપ્રધાન દુનિયાની એક બીજીસાઈડઈફેક્ટ છે જ્યાં કોઈપણ મરદ એ નક્કી કરી લે છે કે બૈરીઓએ કેવી રીતે જીવવું અને તેમના માટે શું યોગ્ય છે.

મને એ બાબત સમજાઈ નહીં કે કેમ એક માતા-પિતા તેમના બાળકો સાથે આવું થવા દે છે. જ્યારે તમારી દીકરી નિર્દોષતાની ચરમસીમા પર હોય અને ફક્ત તમારો નિસ્વાર્થ પ્રેમ ઈચ્છતી હોય ત્યારે, તમે તેણી સાથે વિશ્વાસઘાત કરો છો અને અંતે તમે તેણીને એવા રાક્ષસને સોંપી દો છો જે તેણી સાથે આવું કૃત્ય કરે છે?

તમારો ધર્મ તમને તેણીના શરીર પર અંગછેદન કરવાનું કહે છે અને તમને તેમાં કંઈ ખોટું નથી લાગતુ?અને તેના કારણે ઉત્પન્ન થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રત્યાઘાતોનું શું? જીવનભર તેણીએ આવી પીડાનો સામનો કરવો પડે છે. અને જો તમને ખરેખર આ બાબત ખોટી ના લાગતી હોય તો પછી શું કામતમે તેને આમ ગુપ્ત રાખો છો? શા માટે તેખાનગી રીતેકરવામાં આવે છે? તેના વિષે બધાને વાત કરો, તમે જેમ મિસાક ઉજવો છો તેમ તેની પણ ઉજવણી કરો? ફક્ત મિસાકની ઉજવણી જ શા માટે કરો છો? ખરેખર, કેટલાક અપવાદરૂપ લોકો પણ હોય છે. મારૂં સારૂં ઈચ્છતા ઘણાં લોકો મને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તેમાં મારો કોઈ દોષ નથી અને મારે એ બાબત વિષે ચિંતા કરવી જોઈએ નહીં અને મારો ઉત્તર હોય છે કે “હાં, હું જાણું છું કે મારો કોઈ દોષ નથી અને તેમ છતાં, મારે જ તેની કિંમત ચૂકવવી પડે છે”.

સૌથી દુઃખદ બાબત એ છે કે ઘણી બધી એવી છોકરીઓ છે જેને આજે પણ ખબર નથી અથવા યાદ નથી કે તેમની સાથે પણ આવું બન્યું છે. તેઓ એવા ખ્યાલ હેઠળ જીવે છે કે સેક્સ એ ખરાબ અને પીડાદાયક બાબત છે અને કદાચ તેમનામાં જ કોઈ સમસ્યા છે. અધિકાંશ રીતે આપણને આવું જ શિક્ષણ આપવામાં આવે છે. હું સહિયોની ખૂબ જ આભારી છું કે તેમણે બૈરીઓ માટે આવું એક અદભૂત પ્લૅટફોર્મ ઊભું કર્યું જ્યાં તેઓ તેમની સ્ટોરી રજૂ કરી શકે છે, સહાનુભૂતિ મેળવી શકે છે અને મારા જેવી છોકરીઓને કહી શકે કે હું એક જ એવી છોકરી નથી જેની સાથે આવું બન્યું છે અને મારે મને પોતાને એક પિડીત માનવીજોઈએ નહિં. સ્ટોરીટેલિંગ દ્વારા બૈરીઓને સશક્ત કરવાની આ બાબત, આપણી સંસ્કૃતિનો એક ગૌરવશીલ ભાગ હોય તેમ લાગે છે, જેને સહિયો આગળ વધારી રહ્યું છે.

 

બોહરાઓ વચ્ચે આધુનિક્તાની ખોટી માન્યતા

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 11 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિતકરવામાં આવ્યો હતો. Read the English version here.

લેખક: અનામી

ઉંમર : 33
જન્મનો દેશ : ભારત
વર્તમાન નિવાસસ્થાન : અમેરિકા

હું દાઉદિ બોહરા કુટુંબમાં જન્મેલો મરદ છું. યુનાઈટેડ સ્ટેટ્સમાં મારો અને મારા ભાઈનો ઉછેર એકદમ સામાન્ય રીતે થયો છે. અમે અમેરિકાના એક ખૂબ જ ધર્મનિરપેક્ષ મંડળના સભ્યો હતા. મારા માતા-પિતા હંમેશા મને કહેતા કે અમે કેવી રીતે અન્ય મુસ્લિમો કરતા અલગ હતા. અમારો સમાજ અમારા દીકરાઓ અને દીકરીઓના શિક્ષણ ને મહત્વ આપતા. આપણા સમાજમાં ઘણા બૈરાઓ વ્યાપાર કરે છે, ડૉક્ટરો છે  અને પોતે ઘરખર્ચ ઉપાડે છે. અમે વહાબી તો નથી જ.

મને સ્પષ્ટ રીતે યાદ છે કે મારા “મિસાક” લેવાના સમયે, હું મારા માતા-પિતા સાથે “20/20” ન્યૂઝ પ્રોગ્રામનો એક એપિસોડ જોતો હતો. તેનો એક ભાગ સોમાલિયાના ફીમેલ જેનિટલ મ્યુટિલેશન વિષે હતો. અમે તે પૂરો ભાગ જોયો અને રૂમમાં શાંતિ પ્રસરી ગઈ… જ્યારે તમે માતા-પિતા સાથે ફિલ્મ જોતા હો અને પ્રેમનું દ્રશ્ય આવે ત્યારે જેવી મૂંઝવણ અનુભવો તેવી મૂંઝવણ થવા લાગી. મારા માતા-પિતા શા માટે શરમ મેહસુસ કરતા હતા તે મને સમજાયું નહિં પરંતુ, થોડા દિવસો પછી બધા તે બાબતને ભૂલી ગયા.

 

દશ વર્ષ પછી, હુંએક દાઉદિ બોહરા બૈરી સાથે લાગણી સભર સંબંધ ધરાવતો હતો (જે અત્યારે મારી પત્ની છે). પહેલી વાર જ્યારે અમે સંભોગ કરતા હતા ત્યારે તેણી ખૂબ જ રડવા લાગી. તેણી સાથે શું કરવામાં આવ્યું હતુ તે વિષે મને વાત કરી. જ્યારે તેણીએ કૉલેજમાં આ બાબત વિષે સાંભળ્યું ત્યાં સુધી તેણીને પોતાને ખબર નહોતી કે તેની સાથે શું કરવામાં આવ્યું છે. જ્યારે તે પ્રક્રિયા તેણી પર કરવામાં આવી ત્યારે તેણીએ પગના અંગૂઠા સુધી પીડા આપતો વીજળીનો જટકો મહેસુસ કર્યો પરંતુ, હું એ પ્રથમ વ્યક્તિ હતો જેણે એ તરંગનીઅસરમેહસુસ કરી હતી. તેણી ડરી ગઈ હતી અને કંઈક ગુમાવ્યાની લાગણી અનુભવતી હતી.તેણીની ખૂબ ઈચ્છા હતી કે મારી સાથે સંભોગ માણી સંબંધોને ગાઢ બનાવે પરંતુ, તેવું ક્યારે થઈ શક્યું નહિં. એક સંપૂર્ણ બૈરી તરીકેની તેણીની ક્ષમતા સાથે એ સુખ, યુવાવસ્થામાં જ તેણીની મરજી વિના છીનવી લેવામાં આવ્યું હતુ. અમે સાથે મળી તેનો સામનો કર્યો. મેં તેણીનું કાઉન્સેલિંગ કરાવ્યું અને તેણીને ફરી ખાતરી આપી કે આપણો પ્રેમ વધુ મજબૂત થશે પરંતુ, તેણી અને હું બન્ને જાણતા હતા કે એ ક્ષણે તેણીએ જે ગુમાવ્યું છે તે ક્યારેય કોઈપણ વ્યક્તિ પાછું આપી શકશે નહિં.

અંતે, “20/20”ની એ ક્ષણ મને સમજમાં આવી. બે દિકરાઓ ધરાવતા મારા માતા-પિતાએ ક્યારેય તેમના બાળકોમાં શારીરિક બદલાવ કરવા જેવો પીડાદાયક નિર્ણય કરવો પડ્યો નહોતો પરંતુ, સ્પષ્ટ રીતે કહું તો જો અમે બન્ને ભાઈઓ માંથી કોઈ એક દિકરી હોત તો આ પ્રક્રિયાને અનુસરવા માટે જબરદસ્ત દબાણ કરવામાં આવ્યું હોત. સમાજ તેની ખોટી વાતો ફેલાવે છે કે એ “તમારા સુખી લગ્ન જીવન માટે છે”, “તમે સારી પત્ની બની શકો તે માટે છે.” પાછળથી મારા માતા-પિતા પાસેથી મને જાણવા મળ્યું કે મારા કુટુંબની બધી દિકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવી છે. હું આ વાત માની શક્યો નહિં. જ્યારે તમારા 50% બાળકો મધ્યયુગની પ્રથાનો ભોગ બની રહ્યાં છે તો શા માટે તમે આધુનિક્તાનો મુખોટો પહેરીને ફરો છો? જો તમારી સંપૂર્ણ આધ્યાત્મિક બનવાની પૂર્વ શરત તેમના માટે શારીરિક કમી હોય તો બૈરાઓની સ્વતંત્રા સાથે છેડછાડ કરવાનું બંધ કરો.

મારી સુંદર પત્નીએ મને ઘણુ બધું શીખવ્યું છે. તેણીએ મને માફ કરવાનું અને શક્તિ આપવાનું શીખવ્યું છે. જો હું મારી પત્નીની જગ્યાએ હોત તો ચોક્કસ મેં તેનો વિરોધ કર્યો હોત.સમય આવી ગયો છે કે બધા દાઉદિ બોહરા સાથે મળીને આ મુદ્દાનો ઉકેલ લાવે.આ પ્રક્રિયા આસ્થા પર એક કલંક છે.ઈસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી, તે આપણા બૈરાઓને ભરપાઈ ના થઈ શકે તેવી હાનિ પહોંચાડે છે અને આ પ્રક્રિયા, આપણે આધુનિક અને નમ્ર મુસ્લિમો હોવાનો દાવો કરીએ છીએ તેનાથી વિપરીત છે. આ મુદ્દાને અંધકાર માંથી પ્રકાશમાં લઈ આવવાનો સમય આવી ગયો છે.

એક સુલેમાનિ બોહરા પૂછે છે કે શું ‘સારા હોવા’ અને ‘ખરાબ હોવા’ ની વચ્ચે ફક્ત એક નાનકડો માંસનો ટુકડો જ છે?

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 09 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.)

લેખક :શબનમ મુકબિલ
ઉંમર : 52
દેશ : ભારત

આવું મારી સાથે પણ બન્યુ હતુ…….

જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે બે મહિનાનું ઉનાળાના લાંબા વેકેશનમાં હું મારી માં સાથે મુંબઈની સુલેમાનિ સમાજની એક સીટ, બદર બાગ આવી હતી, જ્યાં મારો જન્મ થયો હતો.

 

સમાજના પરિસરમાં અમારૂં એક સુંદર નાનું કૉટેજ હતું જ્યાં મારી માંએ તેણીનું બાળપણ ગુજાર્યું હતુ. આજે પણ મને તે ઘર વિષેની નાની-નાની દરેક બાબતો યાદ છે જેમ કે, ફર્નિચર અને રૂમમાં તેની ગોઠવણ, રૂમ કેવા હતા, બહારનો સ્વચ્છ નાનકડો બગીચો, નાના બચ્ચાઓ જે મારી સાથે રમવા આવતા હતા, જે સહિયો બની ગઈ અને આજે પણ છે.

વ્યક્તિની છ વર્ષની ઉંમરની યાદો ભૂંસી શકાય નહિં તેવી હોય શકે છે અને તેથી, આવી ખુશીની યાદો ના સાથે-સાથે એક દુખદ ઘટના પણ મને યાદ છે…

 

મને યાદ છે કે હું દિવાલની સામે પહોળા પગ કરી બેઠી હતી અને એક વૃદ્ધ બૈરી ચાકુ લઈને આવતી હતી અને ત્યારબાદ એ અસહ્ય પીડા….. મને બરાબર યાદ નથી પરંતુ સંભવતઃ હું ખૂબ જ રડી હતી. મને એ પણ યાદ નથી કે હું કેવી રીતે ત્યાંથી બહાર આવી– સંભવતઃ લંગડાતા ચાલીને નીકળી, એમ કહેવું વધારે યોગ્ય રહેશે. પરંતુ, જ્યારે પણ મારે ટોઈલેટમાં જવું પડતું ત્યારે થતી પીડા, બળતરા અને લોહીવાળા અન્ડરવેઅર આજે પણ મને બરાબર યાદ છે. મને યાદ છે કે ખૂબ જ પીડા થતી હોવાના કારણે હું ટોઈલેટમાં જવાનું ટાળતી હતી. મને યાદ છે કે હું દોડી અને રમી શક્તી નહોતી, જે મને ખૂબ જ ગમતું હતુ.

અંતે, હું સાજી થઈ ગઈ. વર્ષો વિતી ગયા. હું આ આર્ટિકલ લખી રહી છું તે એ દર્શાવે છે કે હું આ સંકટ માંથી બહાર નીકળી ગઈ છું. શું તેના કારણે મને કોઈ સેક્સ સંબંધી સમસ્યાઓ આવી? મને નથી લાગતું. ખરું કહું તો, સંજોગ વસાત મેં જ્યારે તે વિષે વાંચ્યુ ત્યાં સુધી મને એવું લાગ્યુ પણ નહિં કે હું એફ.જી.સી.નો શિકાર બની છું અને તે જુની અણગમતી અને પીડાદાયક યાદો તાજી થઈ ગઈ અને ત્યારે મને ખરી વાસ્તવિક્તા સમજાઈ.

મને નથી લાગતુ કે મારા સંબંધમાં અથવા એક વ્યક્તિ તરીકે મારા પર તેની કોઈ વિપરીત અસર થઈ હોય પરંતુ, શા માટે 6 વર્ષની એક નાનકડી નિર્દોષ છોકરીને આવી ક્રુર પ્રક્રિયા હેઠળથી પસાર થવું જોઈએ? જેમ દાવો કરવામાં આવે છે તેમ, શું તેનાથી મને એક સારી મુસ્લિમ, શુદ્ધ અથવા પવિત્ર બનાવવાનો ઉદ્દેશ પ્રાપ્ત થયો છે? શું “સારા હોવા” અથવા “ખરાબ હોવા” વચ્ચે ફક્તએક નાનકડા માંસના ટુકડાનો જ તફાવત છે?

હું કદાચ આઘાત મેહસુસ નથી કરી રહી પંરતુ, તે પીડાને હું ક્યારેય નહિં ભૂલી શકું. જે કંઈ થયું તેના માટે હું મારી માંને દોષ નથી આપતી કારણ કે તેણી પર સંબંધીઓનું અને સમાજનું દબાણ હોવાનું હું સમજી શકુ છું. આજે તેણી મારી સાથે આ પ્રથાનો પૂરા દિલથી તિરસ્કાર કરે છે, એવી પ્રથા જેના શારીરિક કે આધ્યાત્મિક એવા આરોગ્ય સંબંધી કોઈ ફાયદાઓ નથી પરંતુ, ફક્ત દુઃખદ પીડા આપે છે.

હું કોની સાથે સેક્સ કરું એ મારૂં મન નક્કી કરે છે, મારૂં ક્લિટોરિસ નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 22 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.)

લેખક :સબાહત જહાન

ઉંમર : 24
દેશ : ભારત

હું કાફૅમાં બેસીને વિચારી રહી છું કે જે રીતે મારી માંએ ધર્મના નામે મારી સાથે કર્યું તેમ, શું હું ક્યારેય મારી દિકરીને જેનિટલ અંગછેદન જેવી પીડાદાયક પ્રક્રિયા હેઠળથી પસાર થવા દઈ શકું?

હું 24 વર્ષની, જર્નાલિઝમનો અભ્યાસ કરતી એક એવા મુસ્લિમ સમાજની છોકરી છું, જે આજના યુગમાં પણ ફીમેલ જેનિટલ મ્યૂટિલેશનની પ્રથાને અંધશ્રદ્ધાપૂર્વક અપનાવે છે. અત્યાર સુધી હું માનતી હતી કે એફ.જી.એમ. મારા સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે અને પેશાબ સંબંધી મારી બધી સમસ્યાઓને તેની સાથે કોઈ સંબંધ નથી. મને સમજાયું નહિં કે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારા ક્લિટોરિસને કાપવામાં આવ્યું હતુ અને હકીકતમાં તે એક મોટી સમસ્યા હતી.

તે પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી અથવા તે મારા માટે પીડાદાયક હતી કે નહિં તે પણ મને યાદ નથી. મેં ક્યારેય એ બાબત પર વિચાર કર્યો નહિં કારણ કે મને મારી માં પર વિશ્વાસ હતો અને મારી માંએ મને કહ્યું હતુ કે આ પ્રક્રિયા મારી સારી સેહત માટે કરવામાં આવે છે. હું તેણીને નહિં પરંતુ, આપણી ધાર્મિક પ્રથાને દોષ આપું છું. ઘણાં મુસ્લિમ સમાજો આ પ્રથાને અપનાવતા નથી પરંતુ મારો સમાજ તેને અપનાવે છે.

જ્યારે મેં લેખક અયાન હિરસી અલી નું પુસ્તક વાંચ્યું ત્યારે પહેલી વાર મને એફ.જી.એમ. વિષે જાણવા મળ્યું. ત્યારબાદ, મેં હિંદુસ્તાન ટાઈમ્સમાં સહિયો વિષે વાંચ્યું. મને આઘાત લાગ્યો અને મેં મારી માંને ફોન કર્યો. શાંતિપૂર્વક મેં તેણીને પૂછ્યું “માં, તે મારી સાથે એમ શા માટે કર્યું?” તેણીએ કહ્યું “કારણ કે, બેટા એ તારી જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખશે, તું કોઈની સાથે સેક્સ કરીશ નહિં અને તારૂં કૌમારત્વ(વર્જિનિટી) જળવાઈ રહેશે.” મને વિચાર આવ્યો કે આ કૌમારત્વ માટે આટલું બધુ, શું આ માટે મારે સમય-સમય પર પેશાબ સંબંધી સમસ્યાઓ સહન કરવી પડી?

કોઈની સાથે સેક્સ કરું કે નહિં એ મારી સમસ્યા છે, મારી સંમતિ નો પ્રશ્ન છે. તે મારૂં મન નક્કી કરશે, મારૂં ક્લિટોરિસ નહિં. મારી પાસે માંને કહેવા માટે કોઈ શબ્દો નહોતા, મેં ફક્ત “ઓકે” કહીને ફોન મુકી દીધો. મને તેણી પર ગુસ્સો નથી આવતો, તેણીએ ફક્ત એ કર્યું જે તેણીની સંસ્કૃતીએ અને ધર્મે તેણીને શીખવ્યું છે. હાં, જ્યારે હું સેક્સ કરું છું ત્યારે મને તકલીફ થાય છે. તે ખૂબ જ પીડાદાયક રહે છે અને સમસ્યા પેદા કરે છે. આ પ્રથા મારી જાતિય ઈચ્છાઓને રોકી શકી નહિં પરંતુ મારા માટે સેક્સ કરવું જરૂર મૂશ્કેલ બનાવી દીધું.

હું એક શિક્ષિત વ્યક્તિ છું અને એફ.જી.એમ.નો વિરોધ કરું છું. આ પ્રથા ખોટી છે, તેવું લોકોને સમજાવવા હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. તેનો વિરોધ કરવા અને તે વિષે વાતચીત કરવા માટે હું સહિયોની આભારી છું. મને ખુશી છે કે તે વિષે વાતચીત કરવાના ટેબૂને દૂર કરવામાં આવ્યું અને એફ.જી.એમ.ના એક શિકાર (વિક્ટિમ) રૂપે હું મારો અનુભવ શેર કરી શકું છું.

(આ પોસ્ટની એક આવૃત્તિને 23 ફેબ્રુઆરી 2017ના રોજ સૌ પ્રથમ Wanderlustbeau બ્લોગમાં પ્રદર્શિક કરવામાં આવી હતી.)

મારા પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, મેં મારી દીકરી પર આ પ્રક્રિયા કરવા દીધી નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 04 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.

લેખક : અનામી

વર્તમાન રહેવાસી સ્થળ : અમેરિકા
જન્મ સ્થળ : ભારત
ઉંમર : 57

ભારતમાં 1966ના જુન મહિનાનો દિવસ હતો, હું સાત વર્ષની હતી અને મારી માં મને સમાચાર પત્રની એક સ્ટોરી વાંચી સંભળાવી રહી હતી. સ્ટોરી વાંચતા-વાંચતા આકસ્મિક રીતે જ તેણીએ આવતી સાંજે મારી દાદી સાથે “R” આન્ટીના ઘરે જવાની વાત કરી. મારી માં અને દાદી સાથે ક્યાંક બહાર જવા અને ત્યાં જવા કારમાં બેસવા માટે હું ઉત્સૂક હતી. જિજ્ઞાસાપૂર્વક મેં મારી માંને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે જઈ રહ્યાં છીએ, તેણીએ જવાબ આપ્યો કે એક મહત્વપૂર્ણ કામ કરવું જરૂરી હોવાથી આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જતી વખતે કારમાં મેં મારી માં અને દાદીને એવી વાતચીત કરતા સાંભળ્યા કે જો “R” આન્ટીના ઘરે તેમને પાણી આપવામાં આવે તો તે સ્વીકારવું નહિં કારણ કે, તેણી જે કાર્ય કરે છે તેને ખરાબ માનવામાં આવે છે. જાણવા આતુર મનને કારણે મેં મારી માંને મને એ બાબત સમજાવવા માટે ક્યું પરંતુ, તેણીએ મને “આ બાબતને સમજવા માટે તું હજી ઘણી નાની છે” એમ કહી ચૂપ રહેવા કહ્યું.

“R” આન્ટીના ઘરે પહોંચતા અમને ઉપરના માળે એક મોટા હૉલમાં બેસાડવામાં આવ્યા. થોડી મિનીટો બાદ, તેણીએ અમારી સાથે બેસીને થોડી વાત કરી. ત્યારબાદ, તેણી અન્ય એક ઓરડામાં ગઈ અને એક સફેદ ચાદર લઈને પાછી આવી જેને તેણીએ જમીન પર બીછાવી. તેણીને આમ કરતા હું મૂંઝવણ ભરી નજરે તેની સામે જોતી રહી. ત્યારબાદ, તેણીએ મને નીચે આવી ચાદર પર સૂઈને આંખો બંધ કરી દેવા કહ્યું અને મેં તેણીના કહેવા પ્રમાણે કર્યું. તેણીએ મને અન્ય એક ચાદર ઓઢાડી અને મારી પેન્ટી નીચે સરકાવી. ત્યારબાદ મને નીચે ચીમટી જેવી પીડા થઈ અને હું ચીસ પાડવા લાગી. તેણીએ મને ચિંતા ના કરવાનું કહ્યું.

કામ થઈ ગયું હતુ.

ઘરે પાછા ફરતી વખતે મને અસ્વસ્થતા મહેસુસ થઈ અને મારી માંએ મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કંઈ નથી, તને જલ્દી સારૂં થઈ જશે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારે બાથરૂમ જવું હતુ અને ત્યારે મેં તેમાંથી થોડુ લોહી નીકળતુ જોયું. લોહી જોઈ મને થોડો ડર લાગ્યો. ફરી મારી માંએ મને સમજાવી કે બધુ સારૂં થઈ જશે. મેં તેણીને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે ગયા હતા અને શા માટે મારા પર આ પ્રક્રિયા કરવામાં આવી. તેણીએ જણાવ્યું કે “બધી નાની દીકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવે છે.”

થોડા દિવસો બાદ હું આ ઘટનાને ભૂલી ગઈ.

જ્યારે હું મોટી થઈને મારી મીસાકની ઉંમરની થઈ ત્યારે મને સમજાયું કે કોઈપણ યોગ્ય કારણ વિના મારા ગુપ્ત અંગ સાથે કંઈ છેડછાડ કરવામાં આવી છે. એવુ કંઈ જે એટલુ બધુ મહત્વપૂર્ણ નહોતુ. તે વિષે મારી માં સાથે વાત કર્યા પછી, મને જાણવા મળ્યું કે પરંપરા હોવાના કારણે તેણીએ મારી સાથે આમ કર્યું. તેણીએ પણ આ પ્રક્રિયા હેઠળથી પસાર થવુ પડ્યું હતુ. તેનું કોઈ ધાર્મિક મહત્વ નહોતું.

વર્ષો વિતી ગયા અને એક દિવસ હું પણ માં બની. જ્યારે મારી દીકરી એ ઉંમરની થઈ ત્યારે મેં નિર્ણય કર્યો કે હું તેણીને આવો માનસિક ત્રાસ નહિં આપું, જેને ફક્ત પરંપરાના નામે અનુસરવામાં આવે છે અને જેનું ધાર્મિક દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. જ્યારે મેં આ નિર્ણય કર્યો ત્યારે ના તો મારી માંએ કે ના તો મારી સાસુએ તેનો વિરોધ કર્યો. મારી દીકરીને આ અગ્નિ પરિક્ષા આપવા માટે તેમણે મને દબાણ કર્યું નહોતું. સમાપ્ત કરતા પહેલાં, હું એટલુ કહેવા ઈચ્છું છું કે હા, આ પ્રક્રિયાએ મારી સેક્સ લાઈફ પર નકારાત્મક અસર કરી છે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરીઓને જીવનમાં આવી કોઈ મૂશ્કેલીઓનો સામનો કરવો પડે.

ફિમેલ જેનિટલ કટિંગનો અંત કરવાના આપણા લક્ષ્યમાં આપણે ડેટ્રોઈટના ડૉક્ટરને બદનામ કરવા નથી

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 24 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.

લેખક: અનામી

દેશ : અમેરિકા
ઉંમર : 34

મારા સાતમાં જન્મદિવસ પછી તુરત જ હું મારી દાદીને મળવા ન્યૂયોર્ક ગઈ. મારી માંએ મને કહ્યું કે આ એક ખાસ મુલાકાત બની જશે અને મારી સાથે એક “મહત્વની પ્રક્રિયા” કરવાની હતી. મને કેહવામાં આવ્યું કે “દરેક દીકરી સાત વર્ષની થાય ત્યારે તેણી પર આ પ્રક્રિયા કરવાની હોય છે” જેમ, મારા પહેલા મારી મોટી બહેને કરાવી હતી તેમ. મારી માંએ કહ્યું કે હું જ્યારે મોટી થાવ ત્યારે મારા “સુખી લગ્ન જીવન” માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. સાત વર્ષની ઉંમરે આ સફાઈ મારા માટે સંતોષપૂર્ણ હતી. આ સફાઈને મેં સર્વસામાન્ય માની અને એવું માની લીધું કે બધા ધર્મો અને સંસ્કૃતિઓના બૈરાઓમાં આવી પ્રક્રિયા કરવાનો રીવાજ હશે. ત્યારે મને એ વાતનો ખ્યાલ નહોતો કે એ દિવસ ઘણી બધી રીતે મારી જીંદગીને બદલી નાખશે.

એ પ્રક્રિયાથી મને ઈજા થઈ. સ્વાભાવિક રીતે જ, આ પ્રક્રિયા અમારા સમાજની મેડિકલ ટ્રેનિંગ લીધા વિના ની એક વૃદ્ધ બૈરી દ્વારા બેસમેન્ટ ફ્લોર પર બેદરકારીપૂર્વક કરવામાં આવી હતી. પંરતુ, તે દિવસે મને એવો મેસેજ આપવામાં આવ્યો કે “આના કારણે તારૂં લગ્ન જીવન સુખી થશે” અને ત્યારબાદ મારા સંપૂર્ણ જીવન દરમિયાન મને એવા મેસેજો આપવામાં આવ્યા કે “બૈરી તેની ઉત્તેજનાને નિયંત્રણમાં રાખી શકે એટલા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે”, “તમે તામારા પતિ પ્રત્યે વફાદાર રહો તેની ખાતરી માટે આવી પ્રક્રિયા કરવામાં આવે છે”, “બૈરાઓએ તેમના પતિઓને ખુશ રાખવા જરૂરી છે”. ખરેખર, આવા મેસેજોએ સૌથી વધુ માનસિક ત્રાસ આપ્યો. આવા મેસેજો ને કારણે હું એવું જીવન જીવી જેમાં, હું મને મારા જીવનસાથી સામે નીચલા દરજ્જાની મહેસુસ કરતી હતી અને આવું જ મેં મારી કુદરતી ઉત્તેજનાઓ/લાગણીઓ પ્રત્યે પણ મહેસુસ કર્યું.

જેમ હું મોટી થઈ તેમ મને સમજાયું કે એ દિવસની મારાપર કેવી અસર પડી, હું અસ્વસ્થ અને ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. મને જે પ્રક્રિયા કરવા માટે ફરજ પાડવામાં આવી એ બાબતને લઈ હું ખૂબ જ ગુસ્સા માં હતી અને સતત વિચાર કરતી કે જો એ દિવસ મારી જીંદગીમાં ક્યારેય ના આવ્યો હોત તો કેટલુ સારૂં હોત. બેશક, આ પ્રક્રિયા હેઠળથી પસાર થવું પડશે તેવી અન્ય નાનકડી દીકરીઓનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે મારૂં મન ગુસ્સો, દુઃખ અને અસહાયતાની લાગણીથી ભરાઈ જાય છે. મેં આશા રાખી કે આપણા સમાજના લોકો, નિર્દોષ દીકરીઓને આ પ્રથાનો ભોગ બનતા અટકાવશે. મેં આશા રાખી કે લોકો જાગશે અને મહેસુસ કરશે કે તેઓ દીકરીના જીવનને સુખી નહિં પરંતુ વધારે દુખી બનાવી રહ્યાં છે. તેઓ મેહસુસ કરશે કે આ પ્રથા અપનાવી તેમણે કોઈ સારૂં કાર્ય કર્યું નથી.

થોડા દિવસો પહેલા, ડેટ્રોઈટની એક મહિલા ડૉક્ટરના સમાચાર આવ્યા, જેના પર ગેરકાયદેસર રીતે બે જુવાન દીકરીઓ પર એફ.જી.એમ. ની પ્રક્રિયા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પ્રથાનો વિરોધ કરતા અન્ય લોકોની જેમ, મારી પણ પહેલી પ્રતિક્રિયા “ન્યાય મળ્યો” એવી હતી. અંતે આ પ્રથા માટે કોઈને તો જવાબદાર માનવામાં આવ્યા હતા. આ એક ગંભીર સમસ્યા છે, એ બાબતથી ફક્ત વિદેશોના જ નહિં પરંતુ કદાચ અહીં અમેરિકાના લોકો પણ માહિતગાર થશે. મેં એમ પણ વિચાર્યું કે જે લોકો એફ.સી.જી.ની પ્રક્રિયા કરાવવાનું વિચારી રહ્યાં છે તેવા લોકોમાં આ કેસને કારણે ડર પેદા થશે.

આ સમાચાર પરની લોકોની પ્રતિક્રિયા જોઈ મારૂં સમર્થન નિરાશામાં પરિવર્તિત થઈ ગયું. લોકો કઠોરતાપૂર્વક આ પ્રથા અને ઈસ્લામનો વિરોધ કરવા લાગ્યા, લોકોએ આ ડૉક્ટરને એક ક્રૂર નિર્દય સેક્સ્યૂઅલ પ્રિડેટર તરીકે બદનામ કરવા લાગ્યા. પરંતુ, મને તેણીમાં એવુ કંઈ દેખાયુ નહિં. મને તેણી, મારી માં, માસી અથવા દાદીમાં જેવી ફ્કત એક સામાન્ય બૈરી દેખાઈ. એક બૈરી, એક માંને, જે બાબત શ્રેષ્ઠ લાગી રહી હતી તે કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

મારી માં મને નુક્શાન પહોંચાડવાના ખરાબ ઈરાદા સાથે મને આ પ્રક્રિયા કરાવવા માટે નહોતી લઈ ગઈ. જે રીતે આપણે આપણા બચ્ચાઓને રસી મુકાવવા, જરૂરી શસ્ત્રક્રિયા કરાવવા અથવા છોકરાની સુન્નત કરાવવા લઈ જઈએ છીએ, તેવા ઈરાદા સાથે તેણી મને આ પ્રક્રિયા કરાવવા લઈ ગઈ હતી. આપણા બચ્ચાઓપર કોઈપણ પીડાકરક પ્રક્રિયા કરવામાં આવે તેનું આપણને દુઃખ થાય છે પરંતુ, એ તેમના સારા માટે કરવામાં આવતુ હોવાનું માની આપણે આવુ કાર્ય કરીએ છીએ. આપણે આપણા તબીબી વ્યાવસાયિકોના માર્ગદર્શન પર વિશ્વાસ મુકીએ છીએ કારણ કે, તે ક્ષેત્રના નિષ્ણાત રૂપે તેમનું સન્માન અને વિશ્વાસ કરવામાં આવે છે. તેજ રીતે, બોહરા સમાજના લોકો – ખાસ કરી સાથે રહેતા એક સમાન આસ્થાવાળા લોકો – તેમના ધાર્મિક આગેવાનોના માર્ગદર્શન પર વિશ્વાસ મુકે છે. તેમની દુનિયામાં, આવા આગેવાનોને વિશ્વાસપાત્ર “નિષ્ણાતો” તરીકે સ્વીકારવામાં આવે છે, જે આપણા દરેક ઈન્સાન માટે શું શ્રેષ્ઠ છે તે જાણે છે. તેમના માટે, આવા આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલા પવિત્ર નિયમો તબીબી સમુદાયો અથવા રાજકારણીઓ દ્વારા નિર્ધારીત ધોરણોથી ઉપર હોય છે.

તેથી હું જ્યારે આ મહિલા ડૉક્ટરને જોઉં છું ત્યારે મને તેણીમાં ખલનાયિકા નહિં પરંતુ એક વિક્ટિમ દેખાય છે. મારા પોતાના જેવી એક વિક્ટિમ, જેણે નાનપણમાં ગેરકાયદેસર રીતે આ પ્રક્રિયા કરાવી છે. એવી બૈરી જેનો ભૂતકાળમાં શારિરીક ગેર ઉપયોગ કરવામાં આવ્યો એટલું જ નહિં પરંતુ, સારા ઈરાદા સાથે પ્રક્રિયા કરવા માટે આજે પણ તેણીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેણીએ કરેલા કાર્યમાટે હું તેણીને સંપૂર્ણપણે દોષમુક્ત નથી કરતી પરંતુ, જો દરેક ઈન્સાને તેમના કાર્યોની જવાબદારી લીધી હોત તો તેણીએ કદાચ આવું કાર્ય ના કર્યું હોત. હું ફક્ત તેણીનો પક્ષ રાખવાનો પ્રયત્ન કરી રહી છું, તેણીની દ્રષ્ટિથી જોઈએ તો એમ લાગે છે કે કદાચ તેણી પાસે અન્ય કોઈ ચોઈસ નહોતી.

તેથી, તેણીને ખલનાયિકા બનાવી અને દંડ આપી તમે બીજા થોડા ડૉક્ટરોને આવી પ્રક્રિયા ના કરવા માટે ડરાવી શકો. તેમના બચ્ચાઓ પર આવી પ્રક્રિયા ના કરાવવા માટે તમે અન્ય થોડી માંઓને રોકી શકો છો પંરતુ, તેણીને દંડ આપવાથી, દુરૂપયોગ કરતા લોકોને દંડ મળશે નહિં. જ્યાંસુધી આ મરદ આગેવાનો આવી પ્રથાનું સમર્થન કરતા રહેશે અને તેમના ધાર્મિક ઉપદેશનું મહત્વ જાળવી રાખશે ત્યાંસુધી સમર્થકો તેમના આદરણીય આગેવાનોના માર્ગદર્શનને અનુસરતા રહેશે. મને વધારે ડર એ બાબતનો છે કે આપણા સમાજ માંથી એફ.જી.સી.ના સમર્થનમાં આવતા સતત મેસેજની સાથે-સાથે આ જાહેર કેસ, આ પ્રથાને છૂપી રીતે વધારે અનુસરવા તરફ લઈ જશે. તેથી, ડૉક્ટરોના સ્વચ્છ ક્લિનીકોમાં કલાકો સુધી ગેરકાયદેસર પ્રક્રિયા કરવાના બદલે, મારી સાથે થયુ તેમ, આપણી દીકરીઓ પર ગંદા અને ઠંડા બેસમેન્ટ ફ્લોર પર આ પ્રક્રિયા કરવામાં આવશે.

ફીમેલ જેનિટલ કટિંગની આ પ્રથાને ફક્ત એકલા કાયદા દ્વારા જ સમાપ્ત કરી શકાય નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 26 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.

લેખક : સબિહા બસરાઈ

દેશ : કેલિફોર્નિયા, અમેરિકા
ઉંમર : 34 વર્ષ

એફ.જી.સી. અથવા બોહરા સમાજ જેને ખતના તરીકે ઓળખે છે, તે મુદ્દો અંધકાર માંથી બહાર આવ્યો છે અને લોકો તેના વિષે ખુલ્લેઆમ વાત કરે છે એ મહત્વનું છે. ઘણા લોકો જાણતા નથી કે આ પ્રથા કેટલી ક્રૂર છે અને બૈરાઓની સેક્સ્યૂઆલિટી સંબંધી શરમને કારણે તેમજ મરદપ્રધાન સમાજની રચના દ્વારા લાગુ કરવામાં આવેલ રીપ્રોડક્ટિવ હેલ્થ (પ્રજનનક્ષમ સ્વાસ્થ્ય)ને કારણે લોકો એ વિષે વાત કરવાનું ટાળે છે. હું આશા રાખુ છું કે નાની દીકરીઓ પર એફ.જી.સી. ની પ્રક્રિયા કરવાના આરોપ હેઠળ એક બોહરા ડૉક્ટરને ગિરફ્તાર કરવામાં આવ્યા હોવાનો ડેટ્રોઈટનો કેસ ઘણાં કુટુંબોને આ પ્રથા ના અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે જેથી, નવી પેઢીની નાની દીકરીઓને આવી પ્રથાઓ હેઠળથી પસાર ના થવું પડે.

આ હાનિકારક પ્રથાનો મુદ્દો ધાર્મિક અથવા અધાર્મિક હોવું નથી. આ મુદ્દો સાચા અથવા ખોટા હોવાનો પણ નથી. પરંતુ, ખરી વાત એ છે કે ખતના પ્રક્રિયા એક અનુચિત કાર્ય છે.

જો કે, ડેટ્રોઈટના કેસમાં બન્યું તેમ, અમેરિકન મુસ્લિમ પરની દેખરેખ ચિંતાઓ ઊભી કરે છે. આપણી મસ્જિદો અને કમ્યૂનિટિ સેન્ટરો પર પહેલાથી જ સરકારી એજન્સીઓ દેખરેખ રાખી રહી છે, જે આપણને જાતીભેદ કરીને આપણા સામાજીક અધિકારોનો ભંગ કરે છે. બધા બોહરાઓએ તે સમજવું મહત્વપૂર્ણ છે કે સરકારી એજન્સીઓના મનમાં આપણું હિત જ હોય એ જરૂરી નથી અને ખતનાના મુદ્દાનો લાભ ઉઠાવી તેઓ વધારે ત્રાસ આપવાનું અને આપણા સમાજ પર વધારે દેખરેખ રાખવાનું ઉચિત માની શકે છે. ખતના પ્રથા સમાપ્ત થવી જોઈએ પરંતુ, મારૂં માનવું છે કે સમાજને શિક્ષિત કરવા દ્વારા અને જમાતો (બોહરા સમાજની સભાઓ)ના આયોજનો દ્વારા જ આ પ્રથાનો સાચો અંત થશે.

આપણામાંથી કોઈ ઈચ્છતું નથી કે આપણા સમાજમાં જબરદસ્તી કરવામાં આવે પરંતુ, આપણે સમજવું જોઈએ કે ફક્ત કાયદા દ્વારા જ તેનું સમાધાન થઈ શકે નહિં અને કેટલાક કિસ્સાઓમાં, સરકારી એજન્સીના અમુક અધિકારીઓની નકારાત્મક કાર્યવાહી આપણા સમાજની સુરક્ષા અને સલામતી માટે હાનિકારક રહી છે. તેથી, અમેરિકામાં રહેતા બધા બોહરાઓને હું સાવચેત કરું છું કે વકીલની હાજરી વિના સરકારી એજન્સીઓ સાથે ક્યારે વાત કરવી નહિં અને આપણા સમાજે સાથે મળી ખતના જેવી હાનિકારક પ્રથાઓને બંધ કરવાના માર્ગ શોધવા માટે પણ હું બધા બોહરાઓને પ્રોત્સાહિત કરવા માગુ છું.

ફીમેલ જેનિટલ કટિંગ વિષે એક માંનો સાહસિક નિર્ણય

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 23 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિતકરવામાં આવ્યો હતો. Read the English version here and the Hindi translation here.)

લેખક: અનામી

ઉંમર : 30
દેશ : અમેરિકા

જ્યારે હું લગભગ 15 વર્ષની હતી ત્યારે મેં ખતના શબ્દ અને તેની પ્રથા વિષે સાંભળ્યું હતુ. હું મારી સહિ સાથે AOL ઈન્સ્ટન્ટ મેસેન્જર પર વાત કરી રહી હતી ત્યારે તેણીએ મને પૂછ્યું કે શું મારા પર ક્યારેય ખતનાની પ્રક્રિયા કરવામાં આવી છે. એ સમયે, આ પ્રથા અથવા હું જે બોહરા સમાજમાંથી આવુ છું, તેમાં નાની દીકરીઓ પર ખતના પ્રથાની પ્રક્રિયા કરવામાં આવતી હતી એ બાબતથી હું બીલકુલ અજાણ હતી. મને સમજાતુ નહોતું કે મારી સહિને શું જવાબ આપવો. બાળકોના જન્મ સમયે અનુસરવામાં આવતી અન્ય પ્રથાઓ, જેમ કે છઠ્ઠી, જ્યારે બાળકનું નામકરણ કરવામાં આવે છે અથવા અકિકાહ, જેમાં બાળકના જન્મ પ્રસંગે એક બકરીની બલિ આપવામાં આવે છે. મને લાગ્યું કે કદાચ મારા પર ખતના પ્રક્રિયા કરવામાં આવી હશે પરંતુ,ત્યારે હું ખૂબ જ નાની હોઈશ એટલે મને યાદ નથી.

મેં તુરત જ મારી માંને ખતના વિષે પૂછ્યું અને કહ્યું કે શું મારા પર તે પ્રક્રિયા કરવામાં આવી છે. તેણીએ જવાબ આપ્યો કે “ના દીકરી, મેં તારા પર તે પ્રક્રિયા કરી નથી.” ધીમેથી અને થોડી ચિંતા સાથે તેણી આગળ કહેવા લાગી કે “પરંતુ, આ વાત ક્યારેય કોઈનીસાથે કરતી નહીં.” આ પ્રથા ખરેખર શું છે એમ પૂછી મેં મારી તપાસ આગળ વધારી. મારી માં સરખી રીતે સમજાવી શકી નહિં કે ખતના શું છે અને શા માટે અપનાવામાં આવે છે. તેણી ફક્ત એટલું જ સમજાવી શકી કે દીકરીઓના “ગુપ્તઅંગો”ને કાપવામાં આવે છે. તેણીએ આગળ જણાવ્યું કે હાં, સાત વર્ષની ઉંમરે તેણીના પોતાના પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, અંગને કાપવાના સમયથી અત્યાર સુધી તેણીને જે શારીરિક અને ભાવનાત્મક પીડા ભોગવવી પડી તેને કારણે તેણી નથી ઈચ્છતી કે તેની દીકરીઓ પર આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવે.

તે સમયે, મને એ બાબતનું મહત્વ સમજાયું નહિં કે શા માટે મારી માં મારી અથવા મારી બહેનો પર આવી કોઈ પ્રક્રિયા કરવા રાજી નથી અને શા માટે તેણીએ સ્પષ્ટ રીતે એમ કહ્યું કે આ વાત કોઈની સાથે શેર કરવી નહિં, ખાસ કરીને સમાજની અંદર.

ખતના વિષેની મારી શરૂઆતની પૂછપરછના થોડા વર્ષ પછી, એક સ્થાનિક મસ્જિદમાંહું બધા બૈરાઓની એક બેઠકમાં હતી. ત્યાં ભાઈસાબનાબૈરા જેને બેનસાબ પણ કહે છેતેમને કોઈએ ખતના વિષે પૂછ્યું. બનેસાબે જવાબ આપ્યો કે બૈરાઓના સેક્સ્યૂઅલ સુખમાં વધારો કરવા માટે ખતના પ્રથા અપનાવામાં આવે છે અને સમાજના બધા બૈરાઓએ આ પ્રથા અપનાવવી જરૂરી છે. વર્ષો પહેલા મારી માં પાસેથી મનેએકદમ અલગ માહિતી મળી હોવાથી, બેનસાબની ટીપ્પણીએ મને કનફ્યુઝકરી દીધી. તેમ છતાં, આ પ્રથા અપનાવવી જરૂરી હોવાના બેનસાબના ઉત્તરે, મને મારા પર ખતના પ્રક્રિયા ના થઈ હોવાની વાત કોઈનીસાથે શેર ના કરવાની મારી મમ્મની સલાહને સમજવામાં મદદ કરી. મારી મમ્મી ડરતીહતી કે સમાજની પ્રથા વિરૂદ્ધ જવા બદલ, મારી મમ્મી અથવા તેણીના કુટુંબને તીખી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી શકે છે. તેથી, તેણીએ તેણીના આ સાહસિક નિર્ણયને છૂપાવી રાખ્યો.

આજે મોટા થઈ ગયા બાદ, ખતનાને કારણે થતા શારીરિક અને ભાવનાત્મક પીડા વિષે સાંભળ્યા પછી, મારી માંએ મારી અને મારી બહેનો માટે જે કંઈ કર્યું તેનો મને અહેસાસ થયો અને હું તેની કદર કરું છું. જે બૈરાઓ ખતના પ્રથા હેઠળથી પસાર થયા છે તેઓને તેમના દૈનિક જીવનામાં કેવી તકલીફો સહન કરવી પડતી હશે તે હું સમજી શકતી નથી. આ પ્રથાને આજે પણ (વધારે છૂપી રીતે) અનુસરવામાં આવે છે એ બાબત મને આઘાત આપી રહી છે અને શા માટે ખતના આજે પણ સમાજની એક પ્રથા છે તે માટેવધારે પડતા લોકો પાસે “પરંપરા” સિવાય અન્ય કોઈ યોગ્ય તબીબી કારણ નથી અથવા તો તેઓ એ પણ જાણતા નથી કે શા માટે આ પ્રથા અપનાવામાં આવી રહી છે. મને આશા છે કે જેમ-જેમ વધારે લોકો આ પ્રથા અને તેનાથી થતા નુક્શાનથી માહિતગાર થશે તેમ-તેમ સમાજની અંદરથી જપંરપરાના નામે નાની દીકરીઓના અંગ કાપવાની પીડાદાયક પ્રથાને બંધ કરવા માટેના પ્રયત્નો મજબૂત રીતે થવા લાગશે.

ડેટ્રોઈટના ડૉક્ટરની ગિરફ્તારી, ખતના વિષે વાતચીત કરવા માટેની એક તક છે

(આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 14 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.)

લેખક: અનામી

ઉંમર : 33
દેશ : પુણે, ભારત

મારા પર ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું મને સ્પષ્ટ રીતે યાદ હોવા છતાં મેં મિસાક લીધા પછી, દાઉદી બોહરા સમાજમાં અપનાવવામાં આવતી આ પ્રથા વિષે મેં પ્રશ્ન કરવાની શરૂઆત કરી. આ પ્રથા હંમેશા ખોટી લાગતી હતી પરંતુ, જો મારી માં, બહેન અને સમાજના લગભગ બધા જ લોકો આ પ્રથાને અપનાવતા હોય ત્યારે હું કેવી રીતે પ્રશ્ન ઉઠાવી શકું?

હું -મસ્જિદમાં જતી, ઉપવાસ કરતી અને મારા પાસે જેવી અપેક્ષા રાખવામાં આવે તે બધું જ કરતી એક નાની આજ્ઞાકારી બોહરા દીકરી હતી.મિસાક લીધા પછી, એક બોહરા બૈરા તરીકે મારા પરની કઠોર મર્યાદાઓમાં વધારો થવા લાગ્યો. ‘ખતના’ વિષે જાણવાની મારી ઉત્સુક્તાને કારણે હું તે વિષેની માહિતી શોધવા લાગી. પરંતુ પ્રામાણિક્તાથી કહું તો ગુગલમાં શું ટાઈપ કરવું તે પણ મને ખબર નહોતી. અંતે ગમે તેમ કરી જ્યારે મેં તે માહિતી શોધી ત્યારે, આફ્રિકામાં થતાં બૈરાઓના જેનિટલ મ્યુટિલેશનના લોહીલુહાણ ફોટાઓથી મારા કૉમ્પ્યુટરની સ્ક્રીન ભરાઈ ગઈ પરંતુ, બોહરા સમાજમાં આ પ્રથા અપનાવવામાં આવી રહી છે તે વિષે બહુ જ થોડી માહિતી હતી અથવા તો તેવી માહિતી ઉપલબ્ધ જ નહોતી. સ્પષ્ટ છે કે બોહરા સમાજમાં આ બાબત વિષે વાત કરવાની મનાઈ હતી પરંતુ, મારી કૉલેજની એક સહિ હતી જે મારી ઉંમરની બોહરા દીકરી હતી અને મનેતેના પર વિશ્વાસ હતો. તેણીએ કહ્યું કે “મને લાગે છે કે જ્યારે આપણે મોટા થશું ત્યારે આપણને કોઈ સમસ્યા આવી શકે છે અને કદાચ આપણે ક્યારેય સેક્સનો આનંદ નહિં લઈ શકીએ.” એ તેણીના જ્ઞાનની મર્યાદા હતી અને તેણી પણ મારા જેટલી જ કનફ્યુઝ હતી. મારા ગુસ્સામાં વધારો થઈ રહ્યો હતો કારણ કેસમાજના ઘણા નિયમો ખાસ કરીને, બૈરાઓ માટેના નિયમો લોજિક વિનાના, જૂનવાણી અને એકદમ બિનજરૂરી હતા અને તે બધામાં ‘ખતના’ પ્રથા સૌથી વધુ ક્રૂર હતી.

મારા પોતાના અનુભવ કરતા, મારી મોટી બહેનની દીકરી જ્યારે સાત વર્ષ (જે ઉંમરે ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવે છે)ની થઈ તે સમય મારા માટે ખૂબ જ કઠીન હતો. એ બાબત સ્પષ્ટ હતી કે મારી બહેન અને માં બન્ને આ પરંપરાને ચાલુ રાખવાની યોજના કરી રહ્યાં હતા. મારી માસુમ ભત્રીજીને ડરતી જોઈહું એકદમ અસહાય અને નિરાશા મેહસુસ કરી રહી હતી. અંગને કાપ્યાની પછીની રાત્રીએ તેણીને પીડામાં જોઈને મને ખૂબ જ દુઃખ થયું. આ ક્રૂર પ્રથાની આસ્થા ધાર્મિક અને સંસ્કૃતિક રીતે એટલી બધી ઊંડે સુધી છે કે તેને ઉખાડી ફેંકવી ખૂબ જ મૂશ્કેલ છે. જો કોઈ બદલાવ આવવો જોઈએ તો તે સમાજની અંદરથી જ આવવો જોઈએ. પરંતુ, જ્યારે કોઈ એ વિષે બોલવા જ તૈયાર ના હોય તો, કેવી રીતે બદલાવ આવી શકે?

અમેરિકામાં નાની દીકરીઓ પર ‘ખતના’ પ્રક્રિયા કરતા ત્રણ ડૉક્ટરોની ગિરફ્તારીના સમચાર ફેલાઈ રહ્યાં હોય, આપણા માટે એ ખૂબ જ અગત્યનું અને મહત્વપૂર્ણ બની જાય છે કે આપણે સમાજની અંદર તે વિષે એકબીજા સાથે વાત કરીએ. મને ખાતરી છે કે આપણા સમાજની અંદર એક પણ બૈરી એવી નહિં હોય જેણે ક્યારેય આ પ્રથા સામે પ્રશ્ન ઉઠાવ્યો ના હોય. અંતે, કેવી રીતે કોઈ માં ઈચ્છાપૂર્વક પોતાની દીકરીને આવી પીડા સહન કરવા દે? મોઢું ફેરવી લઈ, મિશિગનમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ લેવા-દેવા નથી એવું માનવાના બદલે, આપણે તે વિષે વાત કરી અને પ્રશ્ન ઉઠાવી, તેનો એક તક તરીકે ઉપયોગ કરવો જરૂરી છે.

આ સમાજમાં હું મોટી થઈ હોવાથી, હું આ સમસ્યાના દરેક પાસાઓને સારી રીતે સમજું છું, કોઈપણ બોહરા આ બાબતમાં વાત કરવા ઈચ્છતા નથી કારણ કે તે ગુપ્ત અંગો અને બૈરીઓના જાતીય અંગોવિષેની વાત છે અને સેક્સ વિષે વાત કરવાનીમનાઈ છે. પરંતુ, કુટુંબીજનો અને મિત્રોના નાના-નાના સમૂહોમાં સાથે મળી આપણે આ જૂનવાણી પ્રથાને ફરી તપાસવી જરૂરી છે. હવે સહિયો જેવી નોન-પ્રોફિટ સંસ્થાઓ ઉપલબ્ધ છે, જે સમાજના લોકોને માહિતગાર અને શિક્ષિત કરવા વચનબદ્ધ છે. એવા ઘણા વૈજ્ઞાનિક ડૅટા ઉપલબ્ધ છે જે સાબિત કરે છે કે આ પ્રથા અપનાવાથી કોઈપણ પ્રકારનો લાભ થતો નથી. આપણાંમાથી જે લોકો ઈચ્છતા હોય તેમણે, મદરસા અને કૉલેજો, અન્ય સામાજીક સંસ્થાઓ અથવા પીટિશન પર સહી કરવા દ્વારા આપણા અનુભવોને શેર કરવાના માર્ગ શોધવા જરૂરી છે. એવી વ્યવસ્થા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે, જે સમાજના લોકો માટે ઘાતક હોય અને ‘ખતના’ જેવી ક્રૂર પ્રથા સમાજના લોકો માટે લાભદાયક છે તેવું બ્રેનવૉશ કરે.

પૂરા વિશ્વમાં મારી ઘણી એવીસહિયો છે જેમને નાની-નાની દીકરીઓ છે અથવા તો નજીકના ભવિષ્યમાં તેમને ત્યાં નાના બચ્ચાઓ જન્મ લેશે. અવશ્ય તેઓ તેમની દીકરીઓને પ્રેમ કરે છે અને તેમને આવી ક્રૂરતાનો ભોગ બનવા દેવાનું પસંદ નહિં કરે પરંતુ, રિતરીવાજનું પાલન કરવાની તલવાર માથા પર લટકી રહી હોવાથી, તેની વિરૂદ્ધ ઉભા રહેવાની તાકત બહુ ઓછા લોકોમાં છે. સ્વતંત્ર રીતે વિચાર કરવાનો આપણો અધિકાર છીનવી લેવામાં આવી રહ્યો છે અને આપણે આપણા ધાર્મિક આગેવાનોને પ્રશ્ન કરવાની હિંમત કરતા નથી.પ્રત્યેક દિવસે, વિશ્વભરમાં અનેક દીકરીઓ આ પીડામાંથી પસાર થાય છે અને હંમેશા માટે તેમના જીવનમાં અસરો છોડી જાય છે.સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને આવી પ્રથા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે તેમજ હવે, આ પ્રથાને બંધ કરવા આપણે આપણા ધાર્મિક આગેવાનો સામે માંગ કરવી જરૂરી છે.