ખત્ના કરાવવી કે નહીં? આપણી દીકરીઓને મોટી થવા દો અને જાતે નિર્ણય લેવા દો

લેખિકા : ઈન્સિયા
વય : ૩૪ વર્ષ
શહેર : મુંબઈ, ભારત

હું એક જાણીતા અને સુશિક્ષિત પરિવારની સભ્ય હોવાથી મને હંમેશા કશુંક જુદું વિચારવાની તક મારા કુટુંબે આપી છે. અમારી કોમના નિયમોને ધ્યાનમાં લીધાં વિના, મારા માતાપિતા હંમેશા મને ટેકો આપતા આવ્યા છે. મને શિક્ષણ અપાયું હતું અને મારા ભાઈઓની જેવા સરખા અધિકારો અપાયા હતા. મારી વાતની કદી ઉપેક્ષા નહોતી કરાતી અને મારા અભિપ્રાયોને ધ્યાનમાં લેવાતા હતા. હું એક દીકરી હતી, પરંતુ મારી સાથે એક દીકરા જેવા વ્યવહાર કરાતો હતો.

પણ અમારી કોમ સહેજ વધુ એકબીજાની સાથે નજીકથી સંકળાયેલી હોવાથી, મારે શું કરવું જોઈએ તે વિશે બોલવાનો દરેકને અધિકાર હતો. મારા પરિવારમાંની તમામ મહિલાઓ અમારા પર તેમના વિચારોને પ્રભાવ પાડી રહી હોવાથી, મારી વય જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારી માતા સંમત થયાં હતાં કે મારે ખત્ના કરાવવી જોઈએ.

એ દિવસ મને આજે હજી પણ સ્પષ્ટપણે યાદ છે. મારી ખત્ના કરાવવા માટે મારી માતા અને માસી પુણેમાં આ મહિલાના ઘરે લઈ ગયાં હતાં. કદાચ હવે દુ:ખાવો મને યાદ નહીં આવે, પરંતુ એ દિવસનો ભય, ઉદાસીનતા અને અવિશ્ર્વાસ હજી કાયમ છે. મારી અનેક પિત્રાઈ બહેનો હજી મને પૂછે છે, ‘‘જે કંઈ બન્યું તે વિશે તું શા માટે આટલી બધી વ્યથિત છે? શું તેથી આપણે કોઈ પણ રીતે બદલાયાં છીએ?’’

હું સંમત થાઉં છું કે ખત્નાથી સેક્‌સ (જાતીય સુખ) માણવા પ્રત્યેની મારી ઇચ્છા કદાચ નહીં બદલાઈ હોય, પરંતુ આપણી માતાઓ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલાયો છે. જેઓ આપણને એવું જણાવે કે આપણને બળજબરીથી કોઈ સ્પર્શ કરે, ખાસ કરીને આપણાં ગુપ્તાંગોને સ્પર્શ કરે એ ખોટું છે, પરંતુ તો પછી તેઓ જાતે એક અજાણી મહિલાની પાસે શા માટે લઈ જાય છે? જે આપણી પેન્ટ ઉતારી પાડે છે અને આપણને સ્પર્શ કરે છે? આપણી માતાઓ અને માસીઓ-કાકીઓ કેમ એવું નથી વિચારતાં કે સાત વર્ષ એવી વય નથી કે જે વયે બાળકો તેમની સાથે શું કરાઈ રહ્યું છે, તેને સમજવા કે તેનો વિરોધ કરવા પૂરતા પ્રમાણમાં સક્ષમ છે. તેમને એવી પ્રતીતિ કેમ નથી થતી કે આની આપણા પર એવી માનસીક અસર પડશે કે જે પાછળથી આપણાં માતાપિતાને તેમના નિર્ણય બદલ ખેદ દર્શાવતાં કરી મૂકશે.

બાળજન્મની વેદના મને યાદ નથી, પરંતુ મેં અનુભવેલી લાગણીઓ મને આજે પણ જેમની તેમ યાદ છે. આજની કુમળી કન્યાઓ માટે પણ આ વાત લાગુ પડે છે. પુખ્ત વયની મહિલાઓ માટે ખત્નાની પ્રથા નાબૂદ કરવી જોઈએ કે નહીં તેનો નિર્ણય હું લઈ નહીં શકું, પરંતુ કુમળી કન્યાઓની ખત્ના નહીં કરવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે, બાળપણ તમારાં બાળકોને એવી ખાતરી કરાવવા માટે હોય છે કે તેઓ સુરક્ષિત છે અને તમે તેમને નહીં ડરાવો એવો તેમને વિશ્ર્વાસ હોય છે. આપણી કન્યાઓને મોટી થવા દો. તેમના શરીરમાં આપણે જે કોઈ ફેરફારો કરવા માગીએ છીએ તે વિશે તેમને માહિતગાર કરો. આપણા મઝહબ વિશે આપણાં બાળકોને આપણે કેળવીએ, નહીં કે પ્રથા-રિવાજો વડે તેમને ગભરાવીએ.

મને ખબર છે કે ઘણા લોકો મારી વાત સાથે સંમત નહીં થાય અને ભલે તેઓ અસંમતિ દર્શાવે. કારણકે હું ફક્ત મારો દૃષ્ટિકોણ રજૂ કરવા માગું છું. હું બે દીકરીઓની માતા છું. મને ખબર છે કે મારી અથવા અમારા વડીલોની માન્યતાઓને અનુસરવાની તેમને ફરજ નહીં પાડીને તેમના જીવનને હું બહેતર બનાવી શકું. હું તેમને એવી કેળવણી આપવા માગું છું કે આપણી કોમ એક એવી પ્રગતિશીલ કોમ છે, જ્યાં આપણે આત્મવિશ્ર્વાસી, શિક્ષિત મહિલાઓ છીએ, જેઓને ઉદ્યમશીલો (કામકાજમાં પાવરધા) બનવા માટે શિખવાડાયું છે અને આપણે ઇચ્છીએ છીએ એવો રસ્તો પસંદ કરવાનો અધિકાર તેઓ ધરાવે છે.

આપણી કોમમાંની દીકરીઓની તમામ માતાઓ, કૃપયા હું શું જણાવી રહી છું તે વિશે સહેજ વિચાર કરે. આપણી દીકરીઓને મોટી થવા દો અને પોતાની પસંદગીઓ કરવા દો. તેમના વતી આપણે નિર્ણયો નહીં લેવા જોઈએ.

ખત્ના: એક માતાની વ્યથા અને એક પુત્રની દુષ્કર્મનો બદલો લેવા માટેની શોધ

લેખક : અનામી
વય ૩૧ વર્ષ
દેશ : અમેરિકા

મારી માતા ખુદાના બંદા અને દ્રઢ ધાર્મિક માન્યતા વાળા છે. દાઉદી બોહરા સમુદાયના જન્મજાત ધર્મગુરુને માનવાવાળો, તેમણે કદી પણ તેનો હિસ્સો બની રહેવાથી ક્યારેય આનાકાની નથી કર્યાં. ઝળહળતા, રંગબેરંગી હિજરી કૅલેન્ડર આધારિત દરેક પ્રસંગોમાં તેઓ અચૂક હાજરી આપે છે. દાયકાઓથી, આ હિજરી કૅલેન્ડરે, દરગુજર કરી નહીં શકાય એવા અંધકારને સંતાડવાના અને કોમની ઝાકઝમાળ જાહોજલાલીનો   દેખાવ કર્યે રાખ્યો છે. અમુક સમયથી હું કોમથી દૂર રહ્યો છું. અમારા કોમના અમુક હડહડતા જુથાણાઓ, ખાસ કરીને હિજરી કૅલેન્ડરમાં વાસ્તવિક સંબંધ ન હોય તેની વિરુદ્ધ મેં ઘણી વાર અવાજ ઉઠાવ્યો છે. લયલતુલ કદ્ર, રમઝાનની સૌથી મુબારક (પવિત્ર) રાત હવે હિજરી કૅલેન્ડર પર નાનકડું ટપકું બની ગઈ છે અને હિઝ હોલિનેસ, સૈયદના મુફઝ્ઝલ સૈફુદ્દીનનના જન્મદિન વડે ઢંકાઈ ગઈ છે, જે એ જ દિવસે આવે છે. મારી માતા મારી ટીકાઓને હળવાશથી નથી લેતાં અને હંમેશાં મને ખુલ્લું મન રાખવા જણાવે છે, એક મિનિટ માટે  કોમમાં બનતી ઘટનાને ભૂલી જવા અને કોમની રુહાનિયત તથા બંદગીની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મને અનુરોધ કરે છે. તેઓ હંમેશાં એક દુષ્કૃત્યની સામે પવિત્ર બની રહ્યાં છે અને કોમની વ્યાકુળતા સર્જનારી અનેક સચ્ચાઈઓની તેઓ ઉપેક્ષા કરે છે.

પરંતુ બે મહિના અગાઉ, તેમણે ખત્નાની પ્રથા સામે પોતાનો આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો ત્યારે હું ચોંકી ઊઠ્યો. આ વિનાશકારી અને જંગલી પ્રથા પર ‘સહિયો’એ વ્યાપક પ્રકાશ પાડ્યો છે. છોકરીઓ ધરાવતા તમામ પરિવારમાં અને ખત્નાને ખૂબ જ ગુપ્ત રાખતી કોમમાં હું ઊછર્યો હોવાથી, કેવળ ‘સહિયો’ મારફતે અને આ પ્રથાના લાંછનની અને તેમના જીવનમાં સર્જેલા દુખ:ની ચર્ચા કરવાની હિંમત દાખવનારી અનેક મહિલાઓએ લખેલા લેખો દ્વારા મને આ પ્રથા વિશે જાણવા મળ્યું હતું.

પરંતુ મારી માતાએ પોતાના અનુભવો વિશે મને વાત કરી ત્યારે હું સખ્ત આઘાત પામ્યો. આ ખૂબ જ ધર્મનિષ્ઠ મહિલા, જેઓ પોતાનું સમગ્ર જીવન બોહરા કોમ માટે હિમાયતી બની રહ્યાં અને ચોક્કસ પ્રથાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવા પોતાનાં સંતાનોને ઉત્તેજન આપતાં રહ્યાં હતાં, આ ખત્ના પ્રથાની ઉપેક્ષા કરવા માટે ક્યારેય તૈયાર નહોતાં. તેમણે તેમના ભાઈને અને મને એમ જણાવ્યું હતું કે જો તેમને દીકરી હોત તો, કદી પણ તેમની સાથે આવું થવા નહીં દેતે. સાત વર્ષની કુમળી વયે પોતાના અનુભવની પીડાજનક વિગત અમણે જણાવી, જ્યારે તેમને ભારતમાં એક પાડોશીના ઘરમાં અંધારાં ભોંયતળિયામાં લઈ જવાયાં હતાં. ત્યાર પછીથી તેમણે વેઠેલી વેદના, આક્રોશ અને લૈંગિક હતાશા તેમની અશ્રુભીની આંખોમાંથી સરી પડ્યા અને હું પણ મારી પોતાની આંખોમાં પણ અશ્રુને રોકી નહીં શક્યો. અન્ય મહિલાઓની આપવીતીઓ વાંચીને મેં અનુભવેલો આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો જ્યારે મને એવી પ્રતીતિ થઈ કે મને આ દુનિયામાં લાવનારી મહિલાને કેટલી વેદના થઈ હશે. એ મહિલા જેને મારા સમગ્ર જીવનમાં હું પ્રેમ કરતો આવ્યો છું, તેણે આ કોમને માફ કરી અને તેનો હિસ્સો બની રહેવા માટે મને ઉત્તેજન આપ્યું, કારણકે તેમની પેઢી માટે કોમ જ સર્વસ્વ છે અને જમાત ખારીજ (નાત બહાર) બનવાનો વિચાર – પરિવાર અને મિત્રોથી અલગ થવાનો ડર – તમારી વેદના, હતાશા અને આક્રોશને ગળી જવાની અને પૂર્વસ્થિતિ (સ્ટેટ્સક્વો)ને સ્વીકારવાની તમને ફરજ પાડે છે. પણ હવે એ બધું વધુ સહન નહીં થાય.

ખત્ના ફરતેની કદરૂપી ડાયન તેમજ બોહરા સમુદાયના અન્ય તમામ અન્યાયોનો સામનો કરવા માટેના હવે શક્તિશાળી વિકલ્પો ઉભા થયા છે. ત્રીસ વર્ષમાં પ્રથમ વખત કહેવાતા ધર્મગુરુઓ અને તેમના મળતિયાઓ ખૂબ ગભરાયા છે. ગુપ્તાંગ વિચ્છેદન (ખત્ના)ને મદદરૂપ થવા અને ઉત્તેજન આપવા બદલ, તેઓ અનિવાર્યપણે કાનૂની પ્રત્યાઘાતોનો સામનો કરશે એટલો જ ભય નથી, પરંતુ સાચો ડર મબલક નાણાકીય લાભો ગુમાવવાનો છે. રોકડ રકમથી ભરેલાં પરબીડિયાં, ઝિયાફતોમાં મળતા લાખો રૂપિયા/ડોલર, મકાનો, કારો અને પરંપરાગત હજારો નાના વહોરા ધંધાઓ જે એક જમાનામાં ઈજારાશાહી ધરાવતા હતા તેની પરનું સામાજીક અને નાણાકીય બન્ને નિયંત્રણ ગુમાવવા લાગ્યા છે.

આવા વધુ અન્યાયો પ્રત્યે આંગળી ચિંધાશે ત્યારે જ વધુ વહોરાઓ જે દેખીતી રીતે હજારોની સંખ્યામાં છે, તેઓ રૂહાની (આધ્યાત્મિક) જ્ઞાન મેળવવા માટે અન્યત્ર જશે. આવી નાણાકીય ખોટ સાથે તેઓ કદી વૈભવશાળી જીવનશૈલીને ટકાવી નહીં શકે જેમાં તેઓ ઊછર્યા છે અને દોમ દોમ સાહયબી ભોગવી છે.

પરંતુ ખાલી શબ્દો કરતા વાસ્તવિક કૃત્ય હંમેશા વધુ મોટા અવાજે પોકારે છે. પ્રથમ પગલું, જે આવશ્યક છે, તે પગલું આ પ્રથા વડે અસર પામેલી તમારા જીવનમાંની વિશેષ મહિલાને શોધવાનું છે, એ મહિલાની સાથે બેસો, તેની સાથે વાત કરો અને તેણે કેવી યાતના અનુભવી છે તેને સમજો. આવો પ્રચંડ ક્રોધ તમારામાં પણ પેદા થશે જે મેં અનુભવ્યો છે.

અત્યારે પ્રચંડ ક્રોધ વ્યક્ત કરવાની જ આપણા માટે આવશ્યકતા રહે છે. આપણી પેઢીમાં એવા લોકોની આપણને જરૂર છે જેઓ રોષે ભરાય. આ કોમનો ત્યાં સુધી બહિષ્કાર કરે જ્યાં સુધી તે લોકોની રુહાની જરૂરિયાતોની સેવા બજાવવા તેને સોંપાયેલી કામગીરીને પૂર્ણ કરવા માટે પાછી નહીં કરે. મઝહબી કોમ આવું કરી શકે અને આવી હોવી જોઈએ.

ખત્નાના પોતાના અનુભવ વિશે મારી માતાએ મને જે રાતે જણાવ્યું ત્યારે તેમની આંખોમાં જોયેલી વેદનાને હું કદી નહીં ભૂલીશ. હું તેની સાથે આગળ વધીશ અને આ પ્રથાનો અંત આવે એવું સુનિશ્ર્ચિત્ત કરવા માટે લડતો રહીશ, આપણે તમામેં પોતાના પક્ષે આવતી ભૂમિકા ભજવીએ તો આ પ્રથા કોમની અન્ય અનૈતિક પ્રથાઓની સાથે બંધ થશે. દિલમાં જોમ અને જુસ્સા સાથે આપને બધાએ આ કામગીરી બજાવવી રહી. આપણાં માતાપિતાની સાથે થયું હતું એવી રીતે આપણા જીવનનો નાશ કરવાની તેઓ ધમકી આપી નહીં શકે. અત્રે આપણી પાસે તમામ હથીયારો છે. સંગઠિત થઈને મજબૂત હાથ રમવાથી આપણે ડરવું નહીં જોઈએ.

દાઉદી બોહરા મહિલાઓ માટે ‘સહિયો’એ યોજ્યો દ્વિતીય ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ

ગત પહેલી જુલાઈએ ‘સહિયો’એ તેનો દ્વિતીય ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ યોજ્યો હતો. દાઉદી બોહરા સમુદાયની ૨૦ મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ‘થાલ પે ચર્ચા’નો સામાન્ય શબ્દોમાં ‘ભોજન કરવાની સાથોસાથ ચર્ચા’ તરીકે થાય છે. ‘સહિયો’નો આ ફ્લેગશિપ કાર્યક્રમ છે, જેમાં બોહરા મહિલાઓને ખાનગી, અનૌપચારિક વાતાવરણમાં ભેગી કરાય છે, જેથી તેઓ ભોજન કરતી વખતે એકબીજાની સાથે સંબંધ બાંધે અને FGC (ફિમેલ જેનિટલ કટિંગ) અથવા ખત્ના/ખફઝ જેવી તેમના જીવનને અસર કરતી સમસ્યાઓની ચર્ચા કરી શકે.

‘સહિયો’નો પ્રથમ ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ ફેબ્રુઆરીમાં યોજાયો હતો અને તેમાં વીસ અને ત્રીસ વર્ષથી મોટી વયની મહિલાઓએ હાજરી આપી હતી. આ વખતના કાર્યક્રમમાં તમામ વય જૂથોની મહિલાઓએ હાજરી આપી હતી, જેમાં સૌથી યુવાન મહિલા ૧૮ વર્ષની હતી જ્યારે સૌથી જઈફ ૭૪ વર્ષના હતા. આ મહિલાઓમાં વિદ્યાર્થિનીઓ, નોકરિયાત વ્યવસાયીઓ, ગૃહિણીઓ તથા એક પ્રૅક્ટિસિંગ ડૉક્ટરનો પણ સમાવેશ થતો હતો. આ ઉદારવૃત્તિ ધરાવતાં મિશ્રણો, દાઉદી બોહરા સમુદાયમાં પ્રવર્તમાન અતિ-ચર્ચિત ખત્ના પ્રથા વિશે, વિભિન્ન વસ્તીઓ ફરતે મહિલાઓની વિચાર પ્રક્રિયાઓનો તાગ મેળવવાની ‘સહિયો’ને તક પૂરી પાડી હતી.

પરિચય કરાવનારા સત્રની સાથે આ કાર્યક્રમ શરૂ થયો હતો અને ત્યાર બાદ પ્રિયા ગોસ્વામીની ફિલ્મ ‘એ પિન્ચ ઑફ સ્કિન’ દર્શાવાઈ હતી. સ્વાદિષ્ટ, પરંપરાગત થાળ ભોજન પીરસાયું હતું અને ખત્ના વિશે મહિલાઓના વિચારોની ખુલ્લા મંચ (ઓપન કોરમ)ની ચર્ચા યોજાઈ હતી.

આ સદીઓ જૂની પરંપરાના પોતાના અનુભવો વિશે વાત કરતી વખતે મહિલાઓને ભાવુક બનેલી જોઈને હિંમત સાંપડી હતી. અમુક મહિલાઓએ તેમની દીકરીઓની ખત્ના કરાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. અન્ય મહિલાઓએ જણાવ્યું હતું કે જો તેમને પસંદગી કરવાની તક મળે તો, આ અત્યંત દુઃખદાયક રીવાજ અને તેના લાભ અને ગેરલાભ વિશે કેળવણી પામવાનું તેમને ગમશે અને કદાચ તેમની પુત્રીઓની ખત્ના કરાવવાથી તેઓ દૂર રહેશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નિશ્ર્ચિત્તપણે ૭૪ વર્ષીય વૃદ્ધા હતાં જેમણે તેમની પુત્રીની ખત્ના થવા નહીં દે, એવું સુનિશ્ર્ચિત્ત કરવા વર્ષો અગાઉ પરંપરાઓને પડકારી હતી.

(This report was originally published in English on August 16, 2017. Read the English version here.)

વહાલી દીકરી, હું દિલગીર છું તારી ખતના થઇ

વહાલી  દીકરી, હું દિલગીર છું તારી ખતના થઇ

– એક બોહરા પિતા ની દિલ ની વ્યથા

વહાલી દીકરી,

ઘણા વર્ષો પહેલા મેં એક ભૂલ કરી. તારી મમ્મીએ આવીને મને કહ્યુ કે હું અપની દીકરી ની ખતના કરાવ છું. મને આ પ્રક્રિયા વિષે કાંઈજ ખબર ન હતી. મેં એમ માની લીધું કે તારી મમ્મીનેજ આ બાબતે વધારે સમજ છે. તારા ઉપર જે ગુઝર્યું એમાં મારું અજ્ઞાન કોઈ બહાનું નાજ હોવું જોઈએ. આ ઘટના પછી મેં ઘણી વાર તારી મમ્મી ને પૂછ્યું કે એક ભણેલી સ્ત્રી, જે એવા દેશમાં રહે છે જ્યાં આ પ્રક્રિયા ગેરકાયદેસર ગણાય છે, તે પોતાની દીકરી ને એના આધીન કેમ કરી શકે? મને ક્યારેય સંતોષ જનક જવાબ મળ્યો નહી. ફક્ત એમજ કહેવામાં આવ્યું કે ‘તે આપનો ધર્મ છે’. આ જવાબ હું ક્યારેય સ્વીકાર નથી કરી શકતો.

જ્યારે તારી સાથે શું થયું એ વિસ્તૃત રીતે વાંચ્યું તો મારી આંખો ભરાઈ આવી. આટલા વર્ષો થી હું અંજાન હતો કે તારી ઉપર શું તકલીફ ગુઝરી છે. તું તો માસૂમ હતી. જાને કેટલા પિતાઓ મારા જેવીજ સ્થિતિ માં હશે, છેવટે આ અમાનુષી કૃત્ય ને જાની ને અંજાન કે પોતાની પુત્રીએ એટલા વર્ષો થી શું વેદના મન માં દબાવી રાખી છે.

મને યાદ છે જ્યારે પહેલી વાર તને મેં હાથ માં લીધી હતી ત્યારે મનોમન હર્કાયો હતો કે તું પરિપૂર્ણ છે. મને વર્ષો થી દીકરી જોઈતી હતી. તારી અંદર કાંઈજ કમી ન હતી, છતાય તારી વાઠકાપ કરવામાં આવી. હું દિલગીર છું. હું જાણું છું કે તને આપયેલા સંસ્કારોજ તને પાપ કરવા થી રોકે છે, બીજું કાંઈજ નહી.

વિચારું છું કે તું ફક્ત પાંચ વર્ષ નીજ હતી. તારા સાથે શું થઇ રહ્યું છે તેનાથી તદ્દન અંજાન અને ઘબ્રાએલી. હું દિલગીર છું કે તારી રક્ષા કરી ન શક્યો. અજ્ઞાન એ કોઈ બહાનું નથી ના કે અંજાન થવું સામાન્ય.

હું વચન આપું છું કે આ અમાનુષી પ્રક્રિયા નો અંત લાવવા મારાથી બનતું બધૂજ કરીશ. હું કોશિશ કરીશ કે બંધ બારણા ની પાછળ શું થાય છે તે બીજા બધા પિતાઓને ખબર પડે. છોકરીયો પ્રત્યે નો આ ગુનોહ છે જે ખોટી માન્યતાઓ થી પ્રેરાયને એના પોતાનાજ માણસો એની ઉપર ગુજારે છે.

એક દિવસ જ્યારે તું માં બનશે, હું તારી પાછળ ઉભો રહીશ. મારે આ વસ્તુની કાળજી વર્ષો પહેલાજ લેવાની જરૂર હતી કે જેથી હવે આવનારી પેઢી ને આ તકલીફ વેઠવી નજ પડે જે તુએ ઉઠાવી છે.

This is a translation of the original English post that was published on May 24, 2016. Read the original post here: Dear daughter, I am sorry you were circumcised